ગીત-ગઝલ : જવાહર બક્ષી
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
- જવાહર બક્ષી
મિત્રો, નવલી નવરાત્રિમાં આજે માણીશું એક ગીત-ગઝલ. જેમાં રદીફ – રે લોલ છે જેથી ગઝલ પણ ગીતની જેમ જ ગૂંજે છે. કલ્પન પણ કેવાં મજાનાં છે !! કોઈની યાદ આવતાં આખુંયે આકાશ આંખમાં ટોળે વળે છે તો દીધેલાં કોલ વટવૃક્ષ બની ગયાં …. વિરહકાળ કેટલો લાં …બો ? અને તેની યાદોની સફરમાં બે-ચાર પગલાં ચાલ્યાં ત્યાં તો એકલતા રસ્તો બની સામે મળે છે. આ ભીનાં ઉજાગરે પણ દિલ તો જાણે અડધો કૂવો…. હજુયે આંસુ કેમેય કરી ખૂટતાં નથી. બસ, યાદોની હૂંફ અને સહારો… અને તે પણ કાલે તો બરફનો સૂરજ હોય એમ થીજી જશે !! જોકે, એ કાલ જલ્દી આવતી પણ નથી અને આવે તો ગમે ? આ મીઠો અજંપો પણ વ્હાલો લાગે કારણ યાદ રુપે પણ પ્રિયજન પાસે તો હોય ને !!
.

જવાહર બક્ષીજી ને અભિનંદન!! ખુબ જ સરસ લયમાં ગઝલ છે, જેથી એક કર્ણપ્રિય રચના બની.
સરસ !!!!!!!!
ગઝલને ગીત કહેવું કે ગીતને ગઝલ કહેવી ??????
બન્ને એકબીજામાં એવી રીતે ભળી ગયા છે કે તેમની વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ થઇ ગયો છે.
પણ ગીતરુપી ગઝલ માણવાની મજા આવી.
ફનાની આ ગઝલ વરસો થી વાંચતો આવ્યો છુ, તેની આ ગઝલ અગણિત વાર તેના જ મુખે સાંભળી છે….આજ કાલ ફના દીકરી પુજાના લગ્નની તૅયારીમા હોવા છતા કયારેક ગઝલ કેમ લખવી તે બાબતના વ્યાખયાન આપવાનો સમય મુંબઈમા યુવાન મિત્રો માટે કાઢે છે, બહુ જ સરસ્ ગીત ગઝલ્,પીન્કી આ ગઝલ ફરી વાંચવી ગમી……..
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
જવાહર બક્ષીની સુંદર અને ગમતી ગઝલ.
મેં મારી પંક્તિઓ જોઈ..આભાર માન આપવાં બદલ.
સપના
સુંદર ગીતનુમા ગઝલ!
સુધીર પટેલ.
પ્રિયતમ અને યાદ કાયમનો સથવારો જ હોય છે……
સુંદર ગઝલ!
સમય આપી સમજી અને માણવાની ગઝલ.
સુંદર ગઝલ… પંચમદાની વાત સાચી છે… સમય આપી માણવાની ચીજ !!