શબ્દ : ઉમાશંકર જોશી

 

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

- ઉમાશંકર જોશી

 

” શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે. “
     – ધૂની માંડલિયા

મિત્રો, બે દિવસ પહેલાં જ આપણે આ ગઝલ માણી.  વિવેકભાઈએ પ્રતિભાવમાં એક મજાની વાત કરી કે, જો એક શબ્દ પણ સાચા અર્થમાં સમજણો થાય તો ગંગા નાહ્યા. !!  અને વળી, વિચારોનાં વનમાં મન અટવાયું, કે શબ્દ સાચા અર્થમાં સમજણો ક્યારે કહેવાય ?  વિચારોના એ વનમાં અટવાતાં આખરે એની એ જ – એક કેડી મળી આવી અને તે -

શબ્દથી ધ્વનિને પામો,
ધ્વનિમાં અર્થ વિસ્તરો;
અર્થમાં પ્રગટો જ્યોતિ,
જ્યોતિ આનંદમાં ઠરો. – મકરંદ દવે

સંજોગ અને પરિસ્થિતિ મુજબ તો વળી અંગત ક્ષમતા મુજબ વ્યક્તિ શબ્દને સમજતો હોય છે ( કે સમજવા પ્રયત્ન કરતો હોય છે ) ?!  અને આપણે પ્રતિક્રિયા પણ તે જ સાચું એમ માનીને જ આપીએ !! પણ ખરેખર તો, શબ્દ ત્યારે જ સમજણો કહી શકીએ કે નકારાત્મક પરિસ્થિતિમાં પણ હકારાત્મક વલણ રાખી તેવું કર્મ કરીએ, આચરણ કરીએ. અને મને યાદ આવી ઉમાશંકરની આ પંક્તિઓ…. !!

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ. 

લયસ્તરો પર આ કાવ્ય મૂકાયેલું ત્યારે જે સમજાયેલું તે જ ફરીથી પ્રતિભાવમાં મૂકું છું !!

ખરે જ, શબ્દ તો મૌન બરાબર જ છે, જ્યાં સુધી શબ્દનો ધ્વનિ શબ્દશઃ અર્થમાં ના વિસ્તરે, અને અર્થ પ્રકાશપુંજ બની જાય છે, જ્યારે એ પથદર્શક, અવિચલ માર્ગદર્શક બની સમગ્ર અસ્તિત્વને સત્યના માર્ગ પર લઈ જઈ આચરણમાં મૂકાય છે…..!!

શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક ! ધવલભાઈનું કાવ્યની અંતિમ પંક્તિ માટે યોગ્ય જ વિવેચન છે………!! પણ મને લાગે છે કે, આખું કાવ્ય તો ‘શબ્દ’ કરતાં ‘શબ્દાર્થ’ને વધુ મહત્વ આપે છે.  સાંઈકવિશ્રી મકરંદ દવે પણ આ મુક્તકમાં શબ્દાર્થની મહત્તા વર્ણવે છે,  આથી મને તે યાદ આવ્યું …. આભાર પંચમભાઈ……..!!

“શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.”

શબ્દ તો ભેદી શકાય નહિ એમ બેઠો છે અને અર્થનો ઝાંખો પ્રકાશ એની આરપાર જઈ શકતો નથી. અદ્.ભૂતતા… આ જ ! નહિ તો પ્રકાશ તો કશાની પણ આરપાર જઈ જ શકે ! પણ એ જ કમજોરી ને કવિ કહે છે કે, એ આભા-વલય બહુઅર્થના શબ્દને ફરતા જે છે તેનાથી જ તો
વધુ રસાસ્વાદ કરવાની તક મળે છે. – ‘Juxtaposition’

“શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.” – શબ્દોના અર્થ પામીને પણ શું ?!  કારણ શબ્દના મૂળમાં-ગર્ભમાં તો કર્મ એટલે કે આચરણ છે. જો સમજીને પણ આચરણ ના કરીએ તો શું અર્થ આ બોલાયેલા શબ્દોનો….!!

અંતિમ પંક્તિમાં વળી, ‘શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ’ કહે છે જે શબ્દને મહત્વ આપે પણ કાવ્યપૂર્તિ અથવા એમની વિચારપૂર્તિ હોઈ શકે,
જે એમના મનનું સમાધાન મળે છે તે જ દર્શાવે છે…. નહિ તો હું પણ એવું માનું કે, જે તમારું મૌન ના સમજી શકે એ તમારા શબ્દો શું સમજી શકવાના, પણ જે શબ્દો જ ના સમજી શક્યા એ મૌન તો કોઇ કાળે ના જ સમજી શકે……!!

એટલે કે ,  શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે ?!!!  :)  

 

 

.


7 Comments to “શબ્દ : ઉમાશંકર જોશી”

  1. jjugalkishor says:

    “મૌન ન સમજી શકે એ શબ્દ શી રીતે સમજી શકે એમ કહીને પછી તરત “જે શબ્દો જ ન સમજી શક્યા એ મૌન તો કોઈ કાળે ના જ સમજી શકે” આ બન્ને વાક્યો પરસ્પર વિરોધી નથી ?

    “શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્” એવું ભારતીય કાવ્યમીમાંસામાં કહેવાયું છે તે મુજબ શબ્દ ને અર્થ મળીને જ રચના થાય છે. એકલો શબ્દ જીવ વિનાના શરીર જેવો માત્ર ખોખું છે. અર્થથી જ એ પ્રકાશે છે. શબ્દ તો વાચક કે ભાવકસાપેક્ષ છે. જેવી ભાવકની ક્ષમતા એવો અને એટલો જ અર્થ એ આપે. શબ્દના સમજણાપણા કે અસમજણાપણાની વાત સમજાય તેવી નથી.

    શબ્દની આસપાસ ધ્વનિનું (અર્થનું)વલય હોય છે. એ અર્થને જે કોઈ સ્પર્શી શકે તે શબ્દને પામે. ભારતીય કાવ્યમીમાંસામાં ધ્વનિસિદ્ધાંત અને ત્યાર બાદ રસસિદ્ધાંત પ્રગટ્યો તે સમજવા જેવું છે.

    શબ્દ સમજણો થાય તે પછી જ અર્થનાં લગ્ન થાય એવું શી રીતે કહી શકાય તે સમજાયું નહીં. હું તો એવું માનું છું કે જ્યારે પણ અર્થ સમજાય એ જ શબ્દનાં લગ્ન કહેવાય, અર્થ સાથે !! શબ્દ સમજણો થાય એમાં “સમજણો” શબ્દનો અર્થ એવો કરાય કે શબ્દ “સમજાય” ! શબ્દ તો સમજણો જ હોય છે, વાચકને તે શબ્દ સમજાય એટલે અર્થ મળે એવું કહી શકાય. અર્થાત્ એવું કહી શકાય કે “અર્થ સમજાય એટલે શબ્દને તે અર્થ વરે !”

    ઉમાશંકરભાઈ અને મકરંદભાઈની વાતોમાં કાવ્યમીમાંસાની જ પ્રક્રીયા સમજાવાઈ છે.

  2. અદભુત ઊંચી કોટિનું કાવ્ય…

  3. sudhir patel says:

    ખૂબ જ સુંદર કાવ્ય અને આસ્વાદ !
    વાહ ! આત્માની અમરાકૃતિ !
    સુધીર પટેલ.

  4. અદલ ઉમાંશંકરીય કાવ્ય.

    જુ. કાકાની વાત બરાબર છે. શબ્દ તો શબ્દ જ છે. એ નથી સારો કે એ નથી ખરાબ. શબ્દ પોતે સમજણ – અસમજણની પળોજણનો ઓશિયાળો નથી.

    શબ્દ વિષે આ કાવ્ય જોયું ?
    http://layastaro.com/?p=694

  5. રાકેશ ઠક્કર , વાપી says:

    સરસ રચના અને સુંદર આલેખન. શ્રી સુધીર પટેલનો શબ્દ પરનો આ શેર યાદ આવી ગયો.
    આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
    હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે!

  6. shirish dave says:

    શબ્દો તો છે બધા મૌન , ધ્વનિ તો અર્થ આપતો,
    મૌન પાસે ઘણા શબ્દો, અને અર્થો વળી ઘણા

    બ્રહ્મા તો થયા મૌન કહીને “દ” તે સર્વને,
    કર્યા તેના ઘણા અર્થો, દેવ દાનવ ને માનવે
    શિરીષ દવે

  7. sapana says:

    શબ્દ માટે શીરીષભાઈની વાત બરાબર લાગી.
    શબ્દો તો છે બધા મૌન , ધ્વનિ તો અર્થ આપતો, એમતો શબ્દો મૌન હોય છે.પણ એની અસર ધારદાર તલવાર જેવી હોય છે જો અર્થ સમજાય્.વાહ.ઉમાશંકરભાઈનું કાવ્ય શબ્દોને નવું રૂપ.
    સપના

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME