માણસ છું : ‘નાઝીર’ દેખૈયા

 

માણસ વચ્ચે માણસ થઇ, પંકાઇ ગયેલો માણસ છું.
વહેંચણ વચ્ચે વહેંચણ થઇ, વહેંચાઇ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઇને, પથરાઇ ગયેલો માણસ છું.

દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઇ નથી,
દુનિયાના જખમો જીરવી, રૂઝાઇ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું,
અમથો અમથો આદતવશ, રીસાઇ ગયેલો માણસ છું.

‘નાઝીર’ એવો માણસ છે,જે કેમ કરી વિસરાય નહીં,
જાતને થોડી ખરચીને, ખરચાઇ ગયેલો માણસ છું.

- ‘નાઝીર’  દેખૈયા

 

 મોરારિબાપુના પણ લાડલા એવા ભાવનગરનાં આ કવિની એક ગઝલ. તો તેમના પૌત્ર ફિરદોસ દેખૈયાના બ્લૉગની મુલાકાત લેવી પણ ગમશે જ. 

 

 

.


7 Comments to “માણસ છું : ‘નાઝીર’ દેખૈયા”

  1. આ “વહેંચણ વચ્ચે વહેંચણ થઈ,વહેંચાઈ ગયેલો માણસ છું.
    —– —– —–
    આમાં ગુજરાતી ક્યાંયે દેખાતું નથી.
    બાકી ગઝલ બેમિસાલ છે.

  2. મોરારી બાપુ તેમની રામ કથામાંય “નાઝીર”ને યાદ કરે છે.

    ” અમારો ભાવનગરનો “નાઝીર”

  3. કોઈ પણ ભાષા સાંપ્રત સંસ્કૃતિની બોલીની લઢણ અને મૂળ ભાષાના સંસ્કારો ઝીલ્યા વિના રહેતી નથી… વહેંચણ જેવો શબ્દ શુદ્ધ ગુજરાતી ભાષામાં જોવા ન મળે એ સ્વાભાવિક છે. આ ઉર્દૂ ભાષા અને મુસ્લિમ સંસ્કારોનું ગુજરાતી ભાષાના આયનામાં પડેલું પ્રતિબિંબ છે…

    ભાષામાં સમયાંતરે ઝીલાતા પ્રતિબિંબો પરથી જે તે સંસ્કૃતિનો આખો ઈતિહાસ ઉખેળી શકાય છે…

  4. sapana says:

    વહેંચાઈ ગયેલો માણસ છું…ખરેખર સરસ ગઝલ મોરારી બાપુ અમારા મહુવાના.:)
    સપના

  5. sudhir Patel says:

    આપણા ભાવનગરના કવિ/ગઝલકાર સ્વ.શ્રી નાઝીર દેખૈયાની ફરી ફરી માણવી ગમે એવી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  6. વહેંચણ– આ શબ્દ લગ્ન પ્રસ્ંગે ખાસ વપરાય છે, ચરોતરમાં તો ખાસ અને નવરાત્રિમા પણ અહીં અમેરિકામાં તો ખાસ જ્યાં ન્હાના શહેરોમાં ચાંદીની વસ્તુઓ વહેંચાય છે.વહેંચણ એ ખરચાઈ ગયેલો માણસ છે…સરસ.

  7. Maheshchandra Naik says:

    સરસ ગઝલ, નાઝીર સાહેબની ગઝલનો ચાહક રહ્યો છુ…અન્ય રચનાઓ પણ અનુકુળતાએ લઈ આવજો, આભાર…..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME