હો શક્ય તો સમજાવ તું : હિમાંશુ ભટ્ટ

 

સસલું કહું ? સાવજ કહું ? હો શક્ય તો સમજાવ તું,
છે ભૂખ તું, કે ચીસ તું ? હો શક્ય તો સમજાવ તું.

જ્યાં માણસો મોટા થયા, ત્યાં જીવ નાના થઈ ગયા,
આ સંતુલન શાને થયું ? હો શક્ય તો સમજાવ તું.

છે શ્વાસમાં ધબકાર તું, છો હોય ના ધબકારમાં,
ચોમેર આ તારાપણું, હો શક્ય તો સમજાવ તું.

છે કલ્પના તારી જગત કે કલ્પના મારી છે, તું ?
છે  શું ભરમ ? ને બ્રહ્મ શું ?  હો શક્ય તો સમજાવ તું.

એવુંય હો, કે તુંય હો, સર્જન કોઈ સર્જક તણું,
છે તત્વ તું, કે તર્ક તું ? હો શક્ય તો સમજાવ તું.

- હિમાંશુ ભટ્ટ

 

સરળ અને સહજ … તેમની ગઝલ જેવું જ તેમનું વ્યક્તિત્વ ! તેઓ જીવનનાં સનાતન સત્યોની આપણી ભ્રમણાઓને એટલી જ સરળ અને સહજતાથી ઈશ્વરને હો શક્ય તો સમજાવ તું,  એમ કહે છે.  સાવજ સસલાંને , અને સાવજને માનવ મારે … એ તો કુદરતનો ક્રમ… સંતુલન સાધવા.. પણ સાથે સાથે ઈશ્વર જીવ અને માણસનું સંતુલન પણ સાધે ?   ”યથા પિંડે તથા બ્રહ્માંડે”  તો પણ બ્રહ્મનાં ભ્રમમાં કેમ મનુષ્ય અટવાય ?  હો શક્ય તો સમજાવ તું !!   આજે હિમાંશુભાઈનાં જન્મદિને આપણાં સૌ વતી તેમને મબલખ શુભેચ્છાઓ.. !! 

 

 

.


3 Comments to “હો શક્ય તો સમજાવ તું : હિમાંશુ ભટ્ટ”

  1. હિમાંશુભાઈને જ્ન્મદિનની વધાઈ. સરસ ગઝલ ફરી માણવી ગમી.

  2. pragnaju says:

    જ્યાં માણસો મોટા થયા, ત્યાં જીવ નાના થઈ ગયા
    આ સંતુલન શાને થયું? હો શક્ય તો સમજાવ તું

    છે શ્વાસમાં ધબકાર તું, છો હોયના ધબકારમાં
    ચોમેર આ તારાપણું, હો શક્ય તો સમજાવ તું

    છે કલ્પના તારી, જગત? કે, કલ્પના મારી છે, તું?
    છે શું ભરમ? ને બ્રહ્મ શું? હો શક્ય તો સમજાવ તું

    એવુંય હો, કે તુંય હો, સર્જન કોઈ સર્જક તણું
    છે તત્વ તું, કે તર્ક તું? હો શક્ય તો સમજાવ તું
    વાહ્
    બહુ સહજતાથી તમે એ શાશ્વત સવાલોને મુકી આપ્યા છે !
    આખી રચના ઘણો સાર આપી જાય છે.
    ધન્યવાદ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME