માંડણાં : પ્રદ્યુમ્ન તન્ના
વાળી ઝૂડેલ ભોંય લીંપ્યા છે તડકા, ને ભીંત્યુંએ ઘોળ્યાં છે ચાંદણાં !
ટાંકણું દિવાળીનું આવો મા લખમી, અમ રાંકનાં તે અંજવાળો આંગણાં !
ઝાઝા ઝળુંબતા લીમડાની હેઠ્ય અહીં, રણઝણતી વેલ્યડીને છોડો,
ધોરીડા ચાવે ચણ્યા-ચારો ત્યાં માંયઘરે ખાવને તમીંય ઘડી પોરો.
ઝાંઝર ઝણકારે બિરાજો ફૂલ બેસણે, પાવન પગલ્યાંના દેત માંડણાં !
ટાંકણું દિવાળીનું આવો મા લખમી, અમ રાંકનાં તે અંજવાળો આંગણાં !
પારણામાં પુતર ને ગાયું ગભાણમાં કોઠલિયે કોદરાં ને જાર,
મ્હેરે તમારી મરુભોમમાંયે માણીએ હર્યોભર્યો હાં રે સંસાર,
આડે દિ’ હોય ભલે ભાણે તે રોટલો આજ મીઠી ખીરનાં છે રાંધણાં !
ટાંકણું દિવાળીનું આવો મા લખમી, અમ રાંકનાં તે અંજવાળો આંગણાં !
- પ્રદ્યુમ્ન તન્ના
આજથી દિવાળીનાં શુભ પર્વનો પ્રારંભ… દીવડાં, રંગોળી, ફટાકડાં, મિઠાઈઓ, તો ઘર સુશોભનમાં સાફસૂફીનો અને રસોઈનો થાક ક્યાંય ઊતરી જાય… ! જોકે, ભારતમાં પણ દિવાળીની વ્યાખ્યા બદલાતી જાય છે. તૈયાર મઠિયાં અને નાસ્તા તો જૂની વાત થઈ ગઈ…. અને રંગોળી તો આવતા વર્ષોમાં દુનિયાની એક અજાયબી જ બની રહેશે તેવું જ લાગે છે. જોકે, કાર્ડપેપરનાં કાણાંઓમાંથી ટપકતી રંગોળીઓ, આપણી નાની કે દાદી જુએ તો તેમની આંખોમાંથી પણ કશુંક ટપકી તો જાય જ… !! મને પણ એવું જ લાગ્યું, તો એમને તો ?!! આપણી રંગોળી અન્ય રાજ્યોમાં અલ્પના, કોલમ કે માંડણાં તરીકે આંગણાંની શોભા વધારતી જોવા મળે છે.
આજે દિવાળીનાં ટાણે, પ્રદ્યુમ્ન તન્નાનું તળપદી ભાષામાં (કણબીનાં મોઢે આવી અસલ બોલી સાંભળ્યાનું યાદ આવે છે) લખાયેલું આ ગીત માંડણાં તેની બોલીને કારણે જરાક વધુ પોતીકું લાગશે જ. આપ સૌને દિપાવલીની તેજોમય, ઝળહળતી શુભેચ્છાઓ.
તા.ક. બે મહિના પહેલાં પ્રદ્યુમ્નઅંકલને તેમનાં પરિચય અને નવી રચના માટે મેલ કરેલો પણ તે વખતે જવાબ મળ્યો નહિં. વિપુલઅંકલે (કલ્યાણી) સમાચાર આપ્યાં કે તેઓ બિમાર છે અને થોડાં દિવસ પહેલાં જ હરનીશ અંકલે તેમની ચિરવિદાયનાં સમાચાર આપ્યાં. Guj. lit. and we really miss you.
શબ્દાર્થ : ટાંકણું (ટાણું) – અવસર, પ્રસંગ. લખમી – લક્ષ્મી. ધોરીડા - બળદ, ઢોર. માંય – મારું. મ્હેરે – કૃપા.
.
the attachments to this post:


મારા પ્રિય કવિઓમાંના એક- હવે નથી એનો અફ્સોસ છે. આવા અદ્ભુત ગીતો, અ-ક્ષર દેહ આપણી પાસે છે એ ધરપત છે.
એક તળપદી ભાષામાં લખાયેલ અને ગામડાંની દિવાળી ને તાદશ રજૂ કરતી સુંદર રચના પણ અફ્ફસોસ કે રચનાના રચિયતા લાંબી છૂટી મનાવવા માટે આપણાં થી ખુબ જ દૂર ચાલ્યાં ગયાં પણ આપણાં વચ્ચે તેમની લાગણીઓ અને સંવેદના શબ્દદેહે હજુ પણ આપણી આંખો સમક્ષ છે.
ખૂબ જ સુંદર પ્રાસંગિક ગીત… મોટેથી લલકારો તો વધુ ગમે એવું…
પ્રદ્યુમ્ન તન્નાની રચનાઓ માટે મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે… એમની રચનાઓ દિલની વધુ નજીકથી પસાર થાય છે… અન્ય ડાયાસ્પોરા કવિઓની જેમ પ્રદ્યુમ્ન તન્નાએ કાયમી વિદેશ નિવાસના કારણે પોતાના ગામના પાદરનો સ્પર્શ કદી છોડ્યો નહોતો…
તળપદા શબ્દોથી મઘમઘતું સુંદર ગીત!
દિવાળીના સપરમા ટાણે સૌ ભાવક મિત્રોને હાર્દિક શુભકામનાઓ અને જીવન પથ પર પ્રકાશ રેલાય એ જ પ્રાર્થના!
આ અવસર પર મારી ગઝલ ‘દિલમાં દીવો કરજો’ માણવી ગમશે.
જ્યારે આસપાસ હો અંધારું, દિલમાં દીવો કરજો!
અજવાળું ફેલાશે પરબારું, દિલમાં દીવો કરજો!
આ ચોઘડિયું છે સુંદર, લીંપી આંગણિયું ને ઊંબર;
મૂરત જાળવવા શુભ ને સારું, દિલમાં દીવો કરજો!
—-
એ ભલે નથી કૈં સૂરજ, પણ કરશે રોશન સૌ બૂરજ;
સુખ ‘સુધીર’ ટમટમશે સહિયારું, દિલમાં દીવો કરજો!
પૂરી ગઝલ માણવા ‘ઉદ્દેશ’ઓક્ટો.૦૯ નો અંક નીચેની લીંક પર જોવા વિનંતી.
http://www.uddesh.org
આભાર.
સુધીર પટેલ.
સુંદર પ્રાસંગીક ગીત
કવિશ્રીને શ્રધ્ધાન્જલી……..