એ જ મારે જોવું છે : અનિલ ચાવડા

 

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યાં છે પાલખીમાં એ જ મારે જોવું છે,
કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ,
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે.

આવ ! મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો,
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે.

હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે.

કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે,
કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.

- અનિલ ચાવડા

 

 ’એ જ મારે જોવું છે’  જેવી અવનવી રદ્દીફ અને તેના પૂર્ણ અવકાશને અનિલ માત્ર ભરતો નથી, છલકાવી દે છે.  માત્ર રદ્દીફ કે છંદવૈવિધ્ય જ નહિં,  વિષયનાવીન્ય પણ ભાવકને સ્પર્શી જ જાય.

વિચારવિશ્વમાં વિહાર કરવાનું કોને ન ગમે ?  બસ… પાલખીમાં સવાર થઈ,  મન ચહે એમ સંચરવું.   ભગવદ્.ગીતામાં કહ્યું છે, કર્મ કે પરિસ્થિતિથી નિર્લેપ રહેવું પણ આ તો ખુદથી જ એટલે કે પોતાનાં વિચારોથી જ અનાસક્ત રહેવાની વાત… !  શ્વાસ, નયન, ચામડી કે પછી હ્રદયને શારડીની જેમ વીંધતી આંસુની તીવ્રતાથી અલિપ્ત રહેવું એટલે કે, પંખીનો કલરવ પીંછાંને ના સ્પર્શે ?!!   

બસ, આપણે પણ સમયની જેમ બાળક બની,  એક જ રટણ કરીએ….  તો શક્ય છે કે, છાબડીમાં કૃષ્ણને જોઈ, વિચારોને પણ પાલખીમાં સંચરતાં જોઈ શકીએ.

 

 


9 Comments to “એ જ મારે જોવું છે : અનિલ ચાવડા”

  1. સુંદર ગઝલ અનિલ.

    “કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે,
    કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.”

  2. ગઝલાસ્વાદની પહેલી બે લીટીઓ સાથે સર્વાંગે સહમત થવું પડે એવું છે. ‘રુટિન’ થઈ ગયેલા છંદોના આવર્તનને અરુઢ લંબાઈ આપી ગઝલ પાસે કવિતાનું કામ કઢાવવાનો કસબ અનિલમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. અનિલની ગઝલો વિશે મને સ-વિશેષ પક્ષપાત છે એટલે નહીં, પણ આ ગઝલ એમ જ સ્પર્શી જાય એવી છે…

    બધા જ શેર સારા થયા છે પણ આ ખૂબ જ ગમી ગયો:

    હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,
    કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે.

  3. sudhir Patel says:

    વિવેકભાઈની વાત સાથે સહમત છું. સુંદર ગઝલ!
    મને પણ ચોથો શે’ર વધુ સ્પર્શી ગયો.
    સુધીર પટેલ.

  4. Lata Hirani says:

    ખૂબ મજાની ગઝલ..

  5. Maheshchandra Naik says:

    ક્શું બોલ્યા વગર લાગણીના સંબંધમા કોણ કોનાથી બંધાય જતુ હોય છે, અને એ જોવાની વાત કવિશ્રીની સ્પર્શી જાય છે, સરસ ગઝલ…..

  6. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) says:

    વાહ…અનીલભાઈ…વાહ…સુંદર રચના…(તમને વાંચી વાંચીને અને તમારાં વિશે સાંભળીને તમને મળવાની ઘણી ઈચ્છા છે.એ ઈચ્છા તમે પસંદ કરેલી બહરમાં જ કહું તો !…..)

    એકધારા આટલાં સુંદર ગઝલ ને ગીત જે લખતાં રહે છે કાયમી;
    ‘ચાવડા’જેની અટક છે,એ અનીલભઈ કોણ છે બસ એ જ મારે જોવું છે.

  7. PUSHPA RVINDRA RATHOD says:

    આ કાવ્ય લખનારને વાચનારને મારે જોવા જરુર તે કયા? બતાવો.નાથ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME