ગમતાંનો કરીએ ગુલાલ : મકરંદ દવે

 

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે, ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર, લાખ સૂણી ક્યાંય સાંકળી ?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
- ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી ?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
- ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને ?
માધવ વેચતી વ્રજનારી સંગ તારા રણકી ઊઠે કરતાલ !
- ગમતાંનો કરીએ ગુલાલ.

- મકરન્દ દવે

 

સાંઈકવિ મકરન્દ દવેનાં જન્મદિને તેમનું એક બહુ જ જાણીતું ગીત.. !    જેમાં ગમતાંનો ગુલાલ એ રુઢિપ્રયોગ તો ગીત કરતાં પણ વધુ જાણીતો… !  ઇન્ટરનેટ પર તો ખા…સ. જોકે, આખું ગીત જ બ્લૉગજગતને (અમને) સમર્પિત કરવાનું મન થાય એવું જ છે.  :)   

ગમતું મળે તો પે’લા ભમરાની જેમ ગૂંજન કરતાં કરતાં ગજવે કેમ ભરાય ?   ગમતું મળ્યાનાં આનંદનો ઓચ્છવ જ હોયને…..  જે ગુલાલથી એકબીજાને રંગી કે એકબીજાનાં રંગમાં રંગાઇ મનાવવો જ રહ્યો.

 

શબ્દાર્થ :  આંક – કિંમત, મૂલ્ય.   પંડ – ખુદ.   ગરથ – મૂડી, સંપત્તિ.  (સંસ્કૃત) ગ્રંથિ – ગંઠાવું, તાડપત્રો પરનાં લખાણોને વચ્ચે કાણું પાડી તેમને દોરીમાં પરોવી બે બાજુ ગાંઠ મારવામાં આવે તે ગ્રંથ -  પૈસા, નાણું પણ ગાંઠ મારીને સચવાય એટલે કે મૂડી.  * કહેવત -  ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.

 

 

.


6 Comments to “ગમતાંનો કરીએ ગુલાલ : મકરંદ દવે”

  1. Lata Hirani says:

    સરસ અઁજલિ…

  2. sudhir patel says:

    સાંઈ કવિશ્રી મકરંદ દવેને જન્મ-દિવસ પર હૃદય પૂર્વક અંજલિ!
    એમના ખૂબ જ જાણીતા ગીતનો ગુલાલ માણવાની મજા આવી!
    સુધીર પટેલ.

  3. Kedar says:

    વાહ્…રવિવારની સવાર સુધરી ગઈ. મકરન્દ દવે એ અતિશય ગહન વાત કેટલા સરળ શબ્દોમાં કહી છે અહિં… આભાર પિન્કીબેન…

  4. સાંઈ ક્વિનું સદાબહાર ગીત.

    ગરથ – મૂડી, સંપત્તિ

  5. VINOD PRAJAPATI,SILVASSA. says:

    શ્રી મકરંદ દવેજી ને નંદિગ્રામમાં ૩ વાર મળવાનું થયું હતું.
    એમની મહેફિલ માણિ હતી.
    ગીતે જુના સંભારણાં કરાવ્યાં.

    આભાર.

    વિનોદ પ્રજાપતિ.

  6. Maheshchandra Naik says:

    શ્રી મકરંદ દવેને આદરપૂર્વક સ્મરાંણજલી………સરસ ગીત મુકવા માટે આભાર……….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME