સાધના કરવી પડે : કિરણકુમાર ચૌહાણ
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
આપવા માંગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે.
- કિરણકુમાર ચૌહાણ
જગતમાં અનેક પ્રકારનાં મનુષ્યો રહે છે. પણ મેં તેને બે જ વિભાગમાં વહેંચ્યા છે. સજ્જન અને દુર્જન ? ના… મૂર્ખ અને દુષ્ટ. કારણ સજ્જન તો ? ના…. સજ્જનો છે પણ તેને જ તો ‘લોકો’ મૂર્ખ કહે છે… અને આમ પણ, સજ્જનોને સજ્જનતાથી કયાં કશુંય સાંપડે છે ? તેમણે પણ અધિકાર માટે ગર્જના જ કરવી પડે છે, જે દુષ્ટજનોનાં બહેરા કાને અથડાય. બાકી, પોતાની deserving victoryમાં પણ સજ્જન કો’કની હારનું કારમું દુઃખ અનુભવે જ છે. આપણી અંદર જ અને બહાર પણ ખેલાતું આ કુરુક્ષેત્ર, સાધનાથી શું અલ્પ છે ?
.

ખૂબ જ સરસ ગઝલ! બધાં જ શે’ર કાબિલે-દાદ છે!
કિરણભાઈને અભિનંદન!
સુધીર પટેલ.
વાહ…સુંદર રચના…ખરેખર કિરણકુમાર કહે છે એવી રમતો જ હોય તો!કે જેમાં સામેવાળાની હારની કામના ના કરવી પડે…
ખુબ સરસ, બધા જ શેર પર દાદ દેવી પડે એવા શેર છે, શ્રી કિરણકુમાર ચૌહાણ મારા સુરતના અને મારા ઘર પાસે રહે છે, સુરતના સાહિત્ય સંકુલમા એમને સાંભળ્યા છે, ઉભરતા કવિશ્રીને શુભકામનાઓ , આપનો આભાર….
આપવા માંગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
- અદભુત શેર…
પણ કિરણકુમાર ચૌહાણને શું ઉભરતા કવિ કહી શકાય?
ખરેખર સરસ રચના.અભિનન્દન
શ્રી કિરણભાઈ ને જયંત દેશાઈ ને ત્યાં વલસાડ માં તેમના કાવ્ય સંગ્રહ “અક્ષરકેફે” ના વિમોચન વખતે. એઓ શિઘ્ર કવિ પણ છે એવો અનુભવ પણ થયેલો.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે ,
સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે.
સાવ સાચી વાત છે.
Abhut, Adbhut, Adbhut……..