ગ્રામમાતા : કલાપી

 

sugarcanefield

 ( ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ….. ઠંડો હિમભર્યો વહે અનિલ )

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(શાર્દૂલવિક્રીડિત)

મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(માલિની)
 
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(અનુષ્ટુપ)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(વસંતતિલકા)

ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(મંદાક્રાન્તા)

ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

(અનુષ્ટુપ)

‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીને અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(શાર્દૂલવિક્રીડિત)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(વસંતતિલકા)
 
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(અનુષ્ટુપ)

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.

(મંદાક્રાન્તા)

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

(અનુષ્ટુપ)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(વસંતતિલકા)

‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(શાર્દૂલવિક્રીડિત)

રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’

(ઉપજાતિ)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

(વસંતતિલકા)

- કલાપી

  

હાલમાં હેમંત ઋતુ ચાલી રહી છે અને આ કાવ્ય મૂકવાની ઇચ્છા હતી. પણ, આજે ગુજરાત સમાચારમાં ઋતુઓ બસ પંચાંગમાં જ રહી ગઈ છે તેવી ટિપ્પણી વાંચી અને વળી, આ કાવ્ય યાદ આવી ગયું.  જોકે, આ કાવ્ય વાંચીને, વગર હેમંત ઋતુએ પણ હેમંતની રમણીયતા અને કમનીયતા માણી  શકાય.   જ્યારે ગુજરાતી છંદ શીખતાં ત્યારે આખુંયે કાવ્ય એટલે જ યાદ કરવું પડતું કે, છંદ યાદ રહી જાય. ત્યારે થતું કે, પંક્તિ-પંક્તિએ કેમ અલગ છંદ ? પણ હવે સમજ પડી કે, વિષયવસ્તુનાં ભાવ પ્રમાણે છંદ બદલાય જેથી ભાવાનુરુપ શબ્દચિત્ર દોરી શકાય. અને, આ કાવ્યમાં લય અને વાક્.પ્રવાહિતા તેથી જ વધુ લાગે છે !!

 તા.ક.   આજે દેશની હાલત માટે આવું જ કોઇક કારણ તો જવાબદાર નથીને ? આ કાવ્યમાં તે યુવાન રાજા કલાપી પોતે હતાં, પણ આજનાં નેતાઓ કે સરકાર પોતાની ભૂલ કબૂલશે ?

 

.


the attachments to this post:

sugarcanefield
sugarcanefield


7 Comments to “ગ્રામમાતા : કલાપી”

  1. Maheshchandra Naik says:

    કવિતાના છંદો ભણતા હતા ત્યારે આ બધુ યાદ કરાવતા ગુરુજનો યાદ આવી ગયા એ સૌને વંદન કરવાની તક આપવા બદલ આપનો આભાર.. અને કવિશ્રી કલાપીને શ્રધ્ધાસુમન અર્પિત ……

  2. Kaitav Shah says:

    આ કાવ્ય ગુજરાતી ના પાઠ્યપુસ્તક માં આવતું ત્યાર થી જ મારુ પ્રીય કાવ્ય હતુ.
    અહીં મુકવા બદલ ખૂબ ધન્યવાદ ..!!

  3. sudhir patel says:

    વાહ! મારી પસંદગીની કવિતા વાંચી ખૂબ જ આનંદ થયો.
    વળી, મારા ગામ લાઠીની યાદ અપાવવા બદલ ધન્યવાદ!
    રાજવી કવિ કલાપીના સ્વાનુભવની વાત આ કાવ્યમાં છે.
    આ કાવ્યનો ઉપાડ જ અદભૂત છે, જે જવલ્લે જ જોવા મળે!
    દરેક છંદ પાસેથી અદભૂત કામ લીધું છે અને ઉગતી સવારનું, ખેતરનું, ગ્રામ્ય કુટુંબનું અને જે ઘટના બને છે એ તમામનું સુરેખ અને કાવ્યમય ચિત્ર આપણી આંખ સામે ખડું કરી દે છે!
    સુધીર પટેલ.

  4. Harnish Jani says:

    બહુ જ સરસ પસઁદગેી. અભિનંદન. આવુઁ જ પીરસતાઁ રહો.( આમ કહેવામાં મારો જમણનો શોખ છતો થાય છે.)

  5. Vijay Purohit says:

    Vah ! what were lovely gone days.. To learn such poems in the school and then to visit farms as a practical demo .But that age was to small to corelate . I really went in my past !!!!!!
    Thanks.

  6. VINOD PRAJAPATI,SILVASSA says:

    પિન્કિ બહેન પ્રણામ,
    ધન્યવાદ,
    સ્કૂલન દિવસોના સંભારણાં કરવ્યા.
    ગુજરાતિ ના શિક્ષક અને આ કાવ્ય છંદ માં ગવાયું હતું એ સ્મ્રુતિપટ પર આવિ ગયું.
    સાથે સાથે આજના શાસકોની સંવેદનસુન્યતા હૈયું હચમચાવિ ગયું.
    જો આ કાવ્ય સ્વર બદ્ધ થયું હોય તો જણાવશો.

  7. વિષયવસ્તુનાં ભાવ પ્રમાણે છંદ બદલાય જેથી ભાવાનુરુપ શબ્દચિત્ર દોરી શકાય. અને, આ કાવ્યમાં લય અને વાક્.પ્રવાહિતા તેથી જ વધુ લાગે છે !!

    - સુસંગત વાત…!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME