તારી હથેળીને દરિયો માનીને : તુષાર શુક્લ

 

ran_khajuri

( ખજૂરીની છાયામાં … !  )

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન,
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી ?
વરતારા મોસમના ભૂલી જઇને, એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને, કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

- તુષાર શુક્લ

 

કચ્છમાં રણોત્સવની ઉજવણી ચાલે છે, ત્યારે તુષારભાઈનું આ ગીત મને યાદ આવી ગયું.  જોકે, વાત તો રણની નહિં,  પ્રિયજનની જ છે. પણ  પ્રિયજન વિના, જિંદગીની ઉજ્જડતા માઇલો વિસ્તરેલ રણ કરતાં પણ વધુ જ હોય.   રણ અને તેને સંલગ્ન પ્રતિક, કલ્પનો કે કાકુ કવિએ વ્યંજનાત્મક રીતે પ્રયોજ્યાં છે કે પ્રણયની દર્દ-એ-દાસ્તાઁ નખશિખ આ ગીતમાં ઉતરી આવી છે. 

( ઑડિયો : રાસબિહારી દેસાઈ અને સૌમિલ મુન્શી )

શબ્દાર્થ : વેળુ – રેતી.  કૂવાથંભ – વ્હાણના વચલા સઢનો મુખ્ય થંભ (થાંભલો).

 

 

.


the attachments to this post:

ran_khajuri
ran_khajuri

ran
ran


9 Comments to “તારી હથેળીને દરિયો માનીને : તુષાર શુક્લ”

  1. હસ્યાક્ષર આલ્બમમાંના મારા ગમતાં ઢગલોક ગીતોમાંનું આ એક… સાંભળો સાંભળો ને તોય થાક જ ન વર્તાય…

  2. તુષારભાઈના ઉત્તમોત્તમ ગીતોમાંનું એક. વારંવાર સાંભળવાનું મન થાય. બન્ને રેન્ડિશન્સ સરસ છે.

  3. Harnish Jani says:

    બહુ સુઁદર કાવ્ય-મને પીક્ચર પણ ગમ્યુઁ અભિનઁદન.

  4. sudhir Patel says:

    ખૂબ જ સુંદર પ્રતિકોથી સભર અભાવનું લયાત્મક ગીત! અને એટલું જ સરસ રણનું ચિત્ર!
    આભાર, પીંકીબેનનો!
    સુધીર પટેલ.

  5. Maheshchandra Naik says:

    પ્રિયજનના હાથને હાથમા લઈને વ્યક્ત કરેલી દિલની ભાવનાઓ સરસ વાત કહી જાય છે, જેમણૅ હસ્તાક્ષર કેસેટ સાભળી હોય તે જ વધારે અનુભવી શકે…….આભાર

  6. Vishvesh says:

    અહા! ખૂબ જ સુંદર..

  7. Tapan says:

    Thanks a lot Pinki,

    I was not confortable to write in gujarati so replying in english. I heared this song years back on Akashvani Surat & amp; i was searching the lyrics of this song since than…beautyfull wordings superb composition..Tushar is simply great. Tapan D.

  8. pankaj trivedi says:

    તુષારભાઇ,
    શુઁ લખુઁ? ભૈ, તમારા ગીતો અમસ્થાય ગમે એટલે મૉજ આવી કહુઁ …
    - પઁકજ ત્રિવેદી

  9. Lata Hirani says:

    ‘એનો અલ્લબેલી…’ગીત અહીંથી વિસ્તર્યે જ જાય છે..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME