દેખતા દીકરાનો જવાબ : મીનુ દેસાઈ

 

દુ:ખથી જેનું મોઢું સૂકાયેલું, ચહેરે કુંડાળાના પટ,
ઝવેરચંદના ઝીણીયા આગળ, ગગો લખાવતો ખત,
માડી એની અંધ બિચારી, દુ:ખે દા’ડા કાઢતી કારી.

લખ્ય કે, ઝીણા, માફી પહેલી માગી લઉં છું હું આજ,
જ્યારથી વિખૂટો પડ્યો હું તારાથી, ગમે ના કામ કે કાજ,
હવે લાગે જીવવું ખારું, નિત લાગે મોત જ પ્યારું.

ભાણાના ભાણિયાની એક વાત માવડી છે સાવ સાચી,
હોટલમાં જઈ ખાઉં બે આનામાં પલેટ અરધી કાચી,
નવાં જો હું લૂગડાં પ્હેરું, કરું ક્યાંથી પેટનું પૂરું ?

દનિયું મારું પાંચ જ આના, ચાર તો હોટલે જાય,
એક આનાની ચાહ બીડી માડી, બચત તે કેમ થાય ?
કરું ક્યાંથી એકઠી મૂડી ? કાયા કેમ રાખવી રૂડી ?

પાંચ આનાની મૂડીમાંથી હવે સંઘરીશ રોજના બે,
મોકલી આપીશ માસને છેડે હું રકમ બચશે જે,
જેથી કંઈક રાહત થાશે, કદી હાથ લાંબો ન થાશે.

માસે માસે કંઈક મોકલતો જઈશ ત્હારા પોષણ કાજ,
પેટગુજારો થઈ જશે માડી ! કરતી ના કામકાજ,
કાગળ ન ચૂકીશ માસે, લખાવીશ ઝીણિયા પાસે.

લિખિતંગ ત્હારા ગીગલાના માડી ! વાંચજે ઝાઝા પ્રણામ,
દેખતી આંખે અંધ થઈ જેણે માડીનું લીધું ના નામ,
દુ:ખી તું ના દિલમાં થાજે, ગોવિંદનાં ગીતડાં ગાજે.     

- મીનુ દેસાઈ

 

ઇન્દુલાલ ગાંધી રચિત ‘આંધળી માનો કાગળ’ ગીત ગુજરાતી ચલચિત્ર ‘મા-બાપ’ દ્વારા ખૂબ જ પ્રખ્યાત થયું ( જોકે તેનું સ્વરાંકન પણ એટલું જ અદ્.ભૂત જ હતું )  તેના પ્રતિભાવમાં અન્ય કવિઓ દેખતા દીકરાનો જવાબ આપવા મજબૂર થયાં.  અને તે પછી ઇન્દુલાલ ગાંધીએ પણ ‘દેખતા દીકરાનો જવાબ’ ગીતની રચના કરી. આજે તેમનાં જન્મદિને મીનુ દેસાઇની કલમે ‘દેખતા દીકરાનો જવાબ’. 

 

 

.


6 Comments to “દેખતા દીકરાનો જવાબ : મીનુ દેસાઈ”

  1. માણવા અને જાણવાની ગમે એવી ઐતિહાસિક હકીકત…

    આભાર, પિન્કીબેન…

  2. pragnaju says:

    જન્મદિનના અભિનંદન

    દુ:ખથી જેનું મોઢું સૂકાયેલું,
    ચહેરે કુંડાળાના પટ,
    ઝવેરચંદના ઝીણીયા આગળ,
    ગગો લખાવતો ખત
    ખરેખર ખૂબ જ સુંદર પ્રતિકાવ્ય

  3. sudhir Patel says:

    દેખતા દિકરાનો ભાવવાહી જવાબ પ્રથમવાર અહીં વાચવા મળ્યો. સરસ માહિતી સાથે મૂકવા બદલ આભાર!
    સુધીર પટેલ.

  4. Maheshchandra Naik says:

    લાગણીસભર રચના……

  5. આંધળી મા અને દેખતા દિકરાના માધ્યમે બન્ને ભાવવાહી રચનામાં કવિ ભાવકના દિલ અને દિમાગ બન્નેસુધી સોંસરી ઉતરી જાય એવું શબ્દચિત્ર ખડું કરવામાં સો એ સો ટકા સફળ નિવડ્યા છે.
    અત્યંત લાગણીસભર રચનાના રચયીતાને સો સો સલામ.

  6. nilam doshi says:

    મજા આવી પીંકી..સરસ…
    આજે ઘણાં સમય બાદ આખી સાઇટ નિરાંતે માણી..ખૂબ ખૂબ અભિનંદન….
    ખૂબ સરસ છે બધી જ રચનાઓ…પસંદગી સરસ..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME