ચાલુ છું : ‘રુસ્વા’ મઝલૂમી
છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું.
જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.
પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું.
ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે,
હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલુ છું.
થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.
- ‘રુસ્વા’ મઝલૂમી
રુસ્વા સા’બનાં જન્મદિને, તેમનાં મિજાજને આવરી લેતી એક ગઝલ. જેમાં સમયની દાનત અને સાગરની ગહનતા – એ બે અશઆર તો બહુત ખૂબ !!
.

રુસ્વાજી સદેહે તો નથી પરંતુ અક્ષર દેહે આપણી વચ્ચે હજુ પણ છે. તેમની સાથે બેસી કલાકો સુધી તેમના નાનકડા રજવાડા પાજોદની અને સ્વઃ અમ્રત ઘાયલ સાથે તેમના સંબંધોની અંગત વાતો સાંભળવાનું સદ્ ભાગ્ય મળ્યુ હતું.
થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.
વાહ વાહ-
સુંદર ગઝલ…
ખુદ્દારી અને સમજદારીનો આ કેવો સમન્વય છે,દોસ્તો.
કે પહેલીના સહારે હું દોડું છું ને બીજીના સહારે ચાલું છું
આદરણીય શ્રી રુસ્વાસાહેબને જ્યારે પણ મળવાનું થયું છે,મને કાયમ કંઈક ને કંઈક શીખવ્યું છે.
આજે એમના જન્મદિને એમની આ સુંદર અને માર્મિક ગઝલ માણીને બહુ જ લાગણીશીલ થઈ જવાયું પિન્કીબેન….!
મક્તામાં,ગર્વ નથી આ ગૌરવ છે,તથા હું મારા વિચારે ચાલું છું એ અભિવ્યકિત જાણે નખશિખ એમના સ્વભાવનું જ નિરૂપણ……
સારા માણસોને આયુષ્યમાં “ઉમેરણ” કેમ નહીં આપતો હોય ઈશ્વર….!!!!
આહા! રુસ્વા સા’બની લાખ લાખ શુક્રિયા! મને એમણે આગળ ચાલવાની હામ આપી.
અને પીંકીબહેનનો ખૂબ ખૂબ આભાર.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિઆ
રુસ્વા સાહેબને જન્મ-દિન પર હાર્દિક અંજલી! સુંદર મિજાજ સભર ગઝલ માણવાની મજા આવી.
સુધીર પટેલ.
કોઇ મભમ સંદેશને ઇશારે ચાલવાથી લઈને મક્તામા પોતાને વિચારે ચાલવાની વાત (દેખીતો વિરોધાભાસ) સાગમટે કેવી સહજ રીતે ગુંથી છે રુસ્વાસાહેબે? બહોત ખૂબ!
સરસ ગઝલ અને ઈશ્વર પ્રત્યેની ભાવવાહી રજુઆત, આપનો આભાર….