થઇ ગયો : ઉદયન ઠક્કર

 

પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને લીલો થઇ ગયો,
તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઇ ગયો.
 
કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો,
પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.
 
પૃથ્વી તો સ્હેજે ફૂદરડી ફરતી, રમતી નીકળી,
ધીરે ધીરે, થઇ ગઇ આદત ને ચીલો થઇ ગયો.
 
પાણી પ્રગટ્યું, ત્યારે ચાંદો સોળ-સત્તરનો હશે,
જોઇને દર્પણમાં, છોગાળો છબીલો થઇ ગયો.
 
માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો.
 
સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું,
અંતે જકડી રાખનારો એક ખીલો થઇ ગયો.

- ઉદયન ઠક્કર

 

કુદરતનાં પાંચ તત્ત્વોની વાતને કવિએ અદ્ભૂત રીતે ગઝલમાં વણી લીધી છે.  પીળચટ્ટો સૂરજ, ભૂરા આકાશને અડે ત્યારે લીલી વનરાજીનો કબીલો કેવો ફૂલે ફાલે ?  અને તે વાત રંગોની ભાષામાં એટલી જ સત્ય… કારણ, પીળો અને ભૂરો મેળવીએ તો લીલો જ રંગ નીપજે !!

 

 


7 Comments to “થઇ ગયો : ઉદયન ઠક્કર”

  1. Nikita says:

    મઝા આવી ગઈ, એકદમ ફ્રેશ થઈ જવાયું, એવું તાજગીસભર કાવ્ય છે. દર બીજી પંક્તિની અર્થચમત્ક્રુતિથી મઝા જાણે બેવડાઇ જાય છે.

  2. himmat says:

    very different gajhal.

    there is no doubt about uddayan’s creativity and
    co-lateral thinking but the problem with him is that he is too obsessed to look different and in that process he vandizes poetry.

    Pinki : Please write correct e-mail address.

  3. ઉદયન ઠક્કરની રચના વિશિષ્ટ જ હોવાની… પહેલા મિસરામાં થોડું ગોથું પણ હું ખાઈ ગયો, ત્યાં પિંકીબેને આબાદ ટેકો કરી આપ્યો…

  4. Maheshchandra Naik says:

    શ્રી ઉદયન ઠક્કર કવિ આલમમા નોખા જ રહેવાના છે એટલે એમની રચનાઓ પણ સમજવા માટે બે વાર મનન કરવી જ પડે,પ્રકૃતિને સરસ રીતે રજુ કરી છે……

  5. ઉદયન ઠક્કરની આગવી શૈલીની ગઝલ. કૈક નવું વાંચવાનો આનંદ!

  6. Lata Hirani says:

    સરસ ચુલબુલી રચના

  7. વાહ્
    badha matina dhhekala આખર dhhila dhhaf thai javana j chhe.
    saras rachana.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME