લખે છે : મનીષ પરમાર
કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.
પથ્થરોમાં કોતરાતી યાદ તારી,
દોસ્ત તારો સાદ લીલુંછમ લખે છે.
આ હવામાં સ્પર્શ તારો સળવળે છે,
ટેરવાં કાગળ સમું રેશમ લખે છે.
પત્ર તારો આવશે એવી દિશાથી,
રાત આખી કોણ આ શબનમ લખે છે ?
આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું,
કોણ આ દુ:ખો અમને કાયમ લખે છે ?
- મનીષ પરમાર
કવિ અને કલમનો નાતો જ એવો કે, મોસમ, શબનમ કે ફોરમ પણ તેનાં હ્રદય પર કંઈક અંકિત કરીને જ જાય. અને એવી જ કોઇ પળે, કવિના ટેરવાં રેશમ જેવા કાગળ પર, કાગળ જેવું જ, દિલને સુંવાળું લાગે તેવું લખે છે…. ! પથ્થરો કોતરીને કંઇક લીલુંછમ્મ ઊગી આવે એમ જ… દિલમાં પણ કંઈક ઊગી જ આવે !! આ જ રદીફ પર બીજી એક ગઝલ કવિ રાવલની કલમે માણવી જરુર ગમશે.
.

b-e-a-u-t-i-f-u-l !!
સુંદર નજાકતભરી ગઝલ!
સુધીર પટેલ.
બહુ જ સરસ