પત્રગીત : હરિહર જોશી

( લખવું શું પહેલા સંદેશમાં…! )
તને બેસતા શિયાળાની આથમતી સાંજ લખું, આછો અજવાસ લખું,
લખવું શું પહેલા સંદેશમાં ! અમે ઝૂરતા રે એકલ પરદેશમાં.
ટાંગેલા ફાનસની શગને કહું છું : નથી એવું કે બળતી તું એકલી,
રેબઝેબ છાતીમાં ડૂમો પેટાવી હું થથરુ છું અંધારે કેટલી ?
કદી જંપેલા દરિયાની મર્યાદા ચાતરીને આવીશું ભરતીના વેશમાં,
અમે ઝૂરતા રે એકલ પરદેશમાં.
એટલું વિશેષમાં લખીએ તને કે, બહુ સાંભરે છે ઘટના વિદાયની,
જીરવી લઈશ હજી લંબાતી રાત, નથી જીરવાતી મોસમ જુદાઈની,
પહેલું મળ્યાની વેળ ઝબકે છે દૂ…ર દૂ…ર ભીંજાતા ટહુકાની ઠેશમાં,
અમે ઝૂરતા રે એકલ પરદેશમાં.
- હરિહર જોશી
મોડે-મોડે પણ શિયાળો શરુ થયો ખરો અને બદલાતી મોસમ, નવી આશાઓ સાથે જૂનાં સ્મરણો પણ લાવે જ. ઢળતી શિયાળાની સાંજ, પ્રિયજન સાથેનું સંભારણું લઈ આવે અને વળી, પરદેશમાં જો હોઈએ તો તો- કવિ કહે છે એમ, વિદાયની ઘટના ખૂબ સાંભરે અને મોસમની જુદાઇ કેમ જીરવાય ?
.
the attachments to this post:

વાહ… મસ્ત ગીત ! લય પણ પ્રવાહી થયો છે…
ખૂબ જ સુંદર તાજા કલ્પનોથી સભર ગીત ફરી અહીં માણવાની મજા આવી.
સુધીર પટેલ.