પ્રણયનો વિવેક : ‘શૂન્ય’ પાલનપુરી

 

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.

- ‘શૂન્ય’ પાલનપુરી

 

શૂન્ય પાલનપુરીનાં જન્મદિને મને ગમતી એક ગઝલ…. ! પ્રેમ દર્શાવવામાં કોઇને જીહજૂરી લાગે, પણ જે- પ્રણયમાં દર્દનો દરબાર ભરી, પ્રિયાની યાદનો રાજ્યાભિષેક કરતું હોય તે, આટલી અદબથી જ માશૂકા આગળ પેશ આવે.  – knee down and offering love… ! અને તો પ્રિયજનના હ્રદયમાં સ્થાન ન મળે ?!!

 

 

.


3 Comments to “પ્રણયનો વિવેક : ‘શૂન્ય’ પાલનપુરી”

  1. sudhir patel says:

    મસ્ત ગઝલ! શૂન્ય સાહેબને જન્મ-દિવસ પર હાર્દિક અંજલી!
    સુધીર પટેલ.

  2. Maheshchandra Naik says:

    શ્રી શુન્ય સાહેબને લાખ લાખ સલામ અને આદરાંજલી…..

  3. Lata Hirani says:

    ફરી ફરીને ય એ જ મજા…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME