છંદોની છીપમાં ઉઘડે મોતી : પન્ના નાયક
છંદોની છીપમાં ઉઘડે મોતી અને લયમાં ઝૂલે છે મારું ગીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
મારા આ શબ્દોમાં કોનો છે શ્વાસ અને ધબકે છે કોની આ પ્રીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
અણસારાનાં અહીં ઊડે પતંગિયા, ભમરાઓ ભમતા ભણકારનાં,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય, રાતે અહીં આગિયા રણકારનાં.
મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત,
શબ્દોની સામે માંડી છે મીટ.
પંખીનાં પગલાં આકાશે હોય નહીં, ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં, હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.
તડકો ને ચાંદની બન્ને રેલાય, એને નડતી નથી રે કોઇ ભીંત,
શબ્દોની સામે માંડી છે મીટ.
- પન્ના નાયક
કવિયત્રી પન્ના નાયકનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, માણીએ તેમનું એક સુંદર, સુમધુર ગીત. પૃથ્વી પર તડકો અને ચાંદની બન્ને રેલાય, પણ આ હઠીલા હાથનો ખોબો પ્રકૃતિને ઝીલી શકે ? એને તો બસ, નયનોમાં ભરી શકાય. પંખીનાં પગલા આકાશમાં મળે ? એ તો ઊડીને જતું રહેશે, હા… એનાં ટહુકાને દિલમાં જરુર સંઘરી શકાય. પણ તેને ઉકેલવા મીટ તો શબ્દો સામે જ માંડવી પડે.
તેમની સાઇટ http://pannanaik.com/ ની મુલાકાત પણ લેશો.
.
the attachments to this post:


પન્નાબહેન ને જન્મ દિન ની ખુબ ખુબ વધાઇ
વર્ષગાંઠ મુબારક !
ગીતનો બીજો અંતરો ખૂબ ગમ્યો…
સુંદર ગીત…સુંદર ચિત્ર.
છેલ્લી ચાર પંક્તિઓ તો વાહ ભાઈ વાહ.
બહુજ સરસ,બહુજ સરસ,બહુજ સરસ!
Happy Birthday , Panna Auntie !!!!!!
પન્નાબહેનને જ્ન્મદિનની વધાઈ. મઝાનું ગીત.
કવિયત્રીને જન્મદિવસની શુભકામનાઓ , એમની સરસ રચના માટે આપનો આભાર……………..
કવિયત્રી પન્નાબેન ને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા, અને સરસ મજાનું લયબદ્ધ ગીત રજૂ કરવાબદલ અભિનંદન!!
ગીત ના નામે કયા સુધી આવી ભીંત લોકો ચણતા રહેશે..
કવિયત્રીને આજ વર્ષગાંઠ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ !