ખાલી કરું છું હું મને : હરેશ ‘તથાગત’

ખાલી કરી પાછો ભરી, ખાલી કરું છું હું મને,
બસ સાવ અમથો કોઈ વેળા સાંભરું છું હું મને.
પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી,
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને.
ધમકી મને મોકલું છું હર પળે એકાદ-બે,
ને હર પળે પગમાં પડીને કરગરું છું હું મને.
છૂટી જવાના યત્નમાંયે હું જ હોઉં છું સદા,
ને એય સાચું કે હંમેશા આંતરું છું હું મને.
ચ્હેરો તમસનો ઉપસે છે કોણ જાણે કેમ ત્યાં ?
પ્રત્યેક વેળા આમ જોકે ચીતરું છું હું મને.
- હરેશ ‘તથાગત’
શકીલ કાદરી કહે છે,
“એક અરીસો રાતે ફોડી, બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો ? સમજણ પડશે, ઓળખ મળશે થોડી થોડી.” પણ આપણે તો, બેય આંખો પર પાટો બાંધીને અરીસામાં નિહાળીએ, તો જાતની ઓળખ કેવી રીતે મળે ? ધમકી આપો કે પગે કરગરો, ચ્હેરો તમસનો જ ઉપસે.
આપણું હોવું છુપાવો શી રીતે ? છે અરીસો એ તો સામો બોલશે. – હરદ્વાર ગોસ્વામી. ‘માણસ’ થવાની સતત મથામણ કરતાં, ખેલાતા દ્વંદ્વયુદ્ધનું આબેહૂબ શબ્દચિત્ર કવિએ કાગળ પર ઉતાર્યું છે.
.
the attachments to this post:


સુંદર ગઝલ…
મઝાની ગઝલ..
બધા જ શેર ગમ્યા.
શ્રી હરેશ તથાગત શૈલીની, સુંદર ભાવ સાથે પ્રસ્તુત ગઝલ.
છેલ્લો શેર ખુબ સરસ થયો છે..
સ્વ સાથેની ગઝલ ગુફ્તગુ.