દરિયો થઈ જાઉં : પ્રફુલ્લા વોરા
( …. દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં …)
દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં, મને દરિયો દેખાય તારી આંખમાં,
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી, દરિયો રેલાય મારી આંખમાં.
દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં.
છીપલામાં સદીઓથી કેદ થઈ સૂતેલા, દરિયાને સપનું એક આવ્યું,
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઈ, માછલીને મીઠું જળ પાયું;
માછલીની વાત હોય સાચી સાચી, ને એક સપનું ઘેરાય તારી આંખમાં,
દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં.
ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી, ઓળઘોળ અંકાતી રેતી,
ઝૂકેલી ડાળખીને સાન,ભાન,માન નહીં, દરિયામાં વાત થઇ વ્હેતી;
વ્હેતી એ વાત બની વાંસળીના સૂર, મોરપિંછુ લહેરાય તારી આંખમાં,
દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં.
- પ્રફુલ્લા વોરા
દરિયો એટલે જ વિસ્તીર્ણ, વિશાળતા… ! કદાચ એટલે જ આપણને તે મનોહર અને રમણીય લાગે છે. જોકે, કવિયત્રી તો અહીં પ્રિયજનની આંખમાં ઊછળતાં વ્હાલનાં દરિયાની વાત કરે છે. વિશાળ દરિયાનાં એક નાનકડા છીપલા જેવું દિલ અને એમાં સૂતેલું આપણું એક સપનું. બાઝેલી લાગણી પણ કેવી કે, ભરદરિયે પણ માછલીને મીઠું જળ પીવડાવ્યું. પ્રિયજનની આંખમાં ઊછળતો સાગર, પછી તો બ…સ મોજાં જેમ કિનારે રેતીને ઓવારી જાય… એમ જ અને ઝૂકેલી ડાળખીને થોડું સાન-ભાન રહે ? એને મન તો સ્વયં રાધા અને એ કૃષ્ણ… !
.
the attachments to this post:


ભાવનગરના કવયિત્રી પ્રફુલ્લાબેન વોરાનું ખૂબ જ સુંદર લયબધ્ધ ગીત!
સુધીર પટેલ.
ખૂબ જ મજાનું દરિયાના મોજાંની જેમ લયના હિલોળા લેતું ગીત…
વાંચવું, માણવું અને ગણગણવું ગમ્યું…
લય માધુર્યથી મઘમઘતું ગીત.
દરિયાના મોજા જેવી ખળખળતી કવિતા !!
લતા હિરાણી