હોવું જોઈએ : ‘મરીઝ’

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અધૂરું એનું જીવન હોવું જોઈએ.
ફૂલોમાં કેમ શ્રેષ્ઠ છે ફૂલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.
મોઘમ હશે જો પ્રેમ તો તે પણ નહીં રહે,
ના માંગજે કે સ્પષ્ટ સૂચન હોવું જોઈએ.
આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.
જીવનમાં લાખ ઘટના બને છે ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.
કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.
આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈને સાથ તારું મિલન હોવું જોઈએ.
પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.
આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.
- ‘મરીઝ’
૨૦૦૯નાં વર્ષની ઢળતી સાંજે, મરીઝની કલમનો એક જામ… પારંપરિક ગઝલનો નશો કંઈક ઓર જ હોય. અને એનું વ્યસન હોવું જોઈએ, નહીં તો – કેવું અધૂરું એનું જીવન હોવું જોઈએ !!
.
the attachments to this post:


નવા વર્ષમાં ખુમારી બક્ષે એવી સુંદર ગઝલ!
વેબ-મેહફિલને અને એના સૌ વાચક-મિત્રોને નૂતન વર્ષના અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
વાહ! જીવવા માટે કોઈ વ્યસન તો હોવું જોઈએ. શુધ્ધ સુવર્ણના કંઈ દાગીના ન બને!અમને પણ થોડાં વ્યસન છે એમાં એક છે ગઝલનું વ્યસન!
પીંકીબહેન, નવું વર્ષ મુબારક. તમે સુંદર મહેફીલ જમાવી છે. અભિનંદન.
–ગિરીશ પરીખ
સુંદર મજાની ગઝલ… પરંપરાની દીવાલને અઢેલીને બેઠી હોવા છતાં આધુનિક ગઝલોને ટક્કર મારે એવી…
સરસ પરંપરાગત ગઝલ.
નામ – અબ્બાસ અબ્દુલઅલી વાસી
ઉપનામ – મરીઝ
“જ્યારે કલા કલાનું જીવન બની જસે,
મારું કવન જગતનું નિવેદન બની જસે.”
ધબકાર..abhivyakti_aug_2008
“માનવ”