સજનવા : મીરા આસીફ
ઘર ફૂટે ઘર જાય સજનવા,
દર્પણ કેમ સંધાય સજનવા.
વા વાયો ને નળિયું ઊડ્યું,
વાતો બધે ચર્ચાય સજનવા.
નામ વગરનું સરનામું લઈ,
મારગ પહોળો થાય સજનવા.
ભણવાનું હું ભૂલી જાઉં,
રોજ વિષય બદલાય સજનવા.
ભવભવની આ પ્યાસ વલૂરે,
ભીતર શું ઉભરાય સજનવા ?
આભ-ઝરૂખે ‘મીરા’ મલકે,
વીજ ભલે વળ ખાય સજનવા.
ક્યાં ક્યાં શોધે ‘આસીફ’ તમને,
જીવતર ક્યાં જીરવાય સજનવા ?
- મીરા આસીફ
‘સજનવા’ રદ્દીફની એક ઓર ગઝલ મીરા આસિફની કલમે… ! જેમાં બે મક્તાનાં શેર ઉપરાંત રોજિંદા રુઢિપ્રયોગ અને વલૂરે જેવો સામાન્ય શબ્દ પણ ગઝલને વિશેષત્વ પ્રદાન કરે છે.
.

સુંદર ગઝલ. રોજિંદા રુઢિપ્રયોગોની છાલકથી આ ગઝલમાં એક તાજગીનો અનુભવ થાય છે.
સજનવા રદીફ વાળી ત્રણે ગઝલો ગમી.
ભાવનગરના કવિ-મિત્ર મીરા આસીફની ‘સજનવા’ રદીફ સાથેની સુંદર ગઝલ માણવી ગમી.
સુધીર પટેલ.
વાહ… સુંદર રચના… ત્રણેય સજનવા ગઝલ ગમી જાય એવી મનનીય થઈ છે…