બદલું છું : રાજેન્દ્ર શુકલ
મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું.
રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.
સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.
પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.
સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી,
દરદ બદલતું નથી, તો ઈલાજ બદલું છું.
- રાજેન્દ્ર શુકલ
પરિવર્તન એ જ તો સંસારનો નિયમ અને દર્દ ના બદલાય તો ઈલાજ જ બદલવો પડેને. કારણ દિશા બદલવી શક્ય નથી તો જહાજ બદલવામાં જ શાણપણ. રાજેન્દ્ર અંકલની કલમે એક હળવી પણ ગહન ગઝલ… !
.

તમારી વાત સાચી છે પિન્કીબેન,
કવિશ્રીએ અહીં હળવી પણ ગહન વાત કરી છે સરળ શબ્દોમાં.
ગમ્યું.
મસ્ત મિજાજ સભર ગઝલ!
સુધીર પટેલ.
જાણીતી-માનીતી ગઝલ… ફરી ફરી માણવી ગમે એવી…
કદાચ ૧૯૭૦ના દાયકામાં લખાયેલી ક્લાસિક ગઝલોમાંની એક.