કાઇપો : રમેશ પારેખ

 

‘કાઇપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટૂંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઇપો !’

- રમેશ પારેખ

(૨૮.૧૨.૨૦૦૪,મંગળવાર)

 

 વાદળછાયું આકાશ, સૂસવાટા મારતો પવન અને શનિ-રવિની રજાઓ …!  વાદળી આકાશમાં રંગબેરંગી પતંગોએ દોરેલી રંગોળી…  આંખ સામેથી હટતી ના હોય - અને આ દશકાની યાદગાર ઉત્તરાયણ મનાવ્યા પછીનો દિવસ એટલે ર.પા. કહે છે એમ, બસ – કાઇપો !   પણ ગમતું-નાગમતું એવું બધું તો જિંદગીમાં આવ્યા જ કરે અને ત્યારે ર.પા. કહે છે એમ, બસ પ્રમાણિકપણે મોટેથી ‘કાઇપો !’ બોલવાથી સાચે જ અજાગૃત મનમાં રહેલ નકારાત્મક ભાવો કપાય જ જશે.   જોકે આપણે તો એવું જ માનીએ,  ”જે સહજ રીતથી  એની મેળે ગયો, એ દિવસ સહુ કહે છે કે એળે ગયો.” – મુકુલ ચોકસી :)

 

 

.


5 Comments to “કાઇપો : રમેશ પારેખ”

  1. દરેક પંકિતઓમાં નાવીન્ય…અને તે કમાલ નવા શબ્દોની !! રમેશભાઈ તો નવા નવા શબ્દોનો ભંડાર !! અમને વહેંચતાં રહો !!….

  2. રમેશ પારેખ જાણે આપણાથી દૂર થયા જ નથી તેવું લાગે.તેમની દરેક રચનાઓ કોઇને કોઇ ઉત્સવ કે પ્રસંગે યાદ આવ્યા વગર નહીં રહે.

  3. પતંગની પછીતે માનવસ્વભાવનું સુપેરે થયેલું નિરૂપણ…

    આ રચના કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં અહીં માણી શકાશે:
    http://layastaro.com/?p=1552

  4. sudhir Patel says:

    સુંદર અને સરળ શબ્દોમાં જીવનનું ચિંતન રજૂ કરતું કાવ્ય!
    સુધીર પટેલ.

  5. pragnaju says:

    પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો
    શું ?
    કાઈપો !

    સુંદર ચિંતન

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME