પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી

 

vasant1

 

કોકિલ, પંચમ બોલ બોલો, કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો – કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો, કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો, કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો, કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો ! કે પંચમી આવી વસંતની.

- ઉમાશંકર જોશી

(લયસ્તરો.કૉમ)

વસંતપંચમીનાં વાસંતી પર્વે આપ સૌને વાસંતી વધામણાં. વસંતમાં પ્રકૃતિ પૂર બહારમાં ખીલી ઊઠી છે અને તે નિહાળી કવિનાં હ્રદયમાં પણ વસંત મ્હોરી ઊઠી છે.  કવિનો આત્મા પ્રકૃતિનાં સૌંદર્યમાં, ઈશ્વરીય ચેતનાના દિવ્ય સંચારને હેતે વધાવી એના ઓવારણાં કેટલી સુંદર રીતે લે છે ?!!    સુરભિમાસને આવકારવા આ આખુંયે સપ્તાહ માણીશું વિવિધ વસંતકાવ્યો.  વળી, આજે સરસ્વતી પંચમી (  મા સરસ્વતીનો જન્મદિન )  પણ છે તો સરસ્વતી વંદના પણ કરીશું. 

 

 

.


the attachments to this post:

vasant1
vasant1


3 Comments to “પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી”

  1. વસંતપંચમીની શુભકામનાઓ..

  2. sudhir patel says:

    સુંદર ગીત!
    વસંત-પંચમી સૌને મુબારક!
    સુધીર પટેલ.

  3. Dinesh Pandya says:

    વસંત પંચમી અવસરે કવિ ઉમાશંકર જોશીનું આ જાણીતુ સુંદર ગીત અહીં માણવાની મજા આવી – ચેતના આ આવી ખખડાવે છે બારણાં
    હેતે વધાવી એને લો રે ઓવારણાં………
    સૃષ્ટિના હિંડોળા પર ઝૂલતી પૂર બહારમાં ખીલેલી રંગબેરંગી પ્રકૃતિનું સુંદર દ્ર્ષ્ય મનને આનંદ્થી ભરી દે છે.
    હે મા શારદા…..થી અહીં શરૂ કરેલા વસંતોત્સવ બદલ શુભેચ્છા અને અભિનંદન!

    દિનેશ પડ્યા

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME