હરિ ! આવો ને : ન્હાનાલાલ

આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ, હવે તો હરિ ! આવો ને.
આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય, હવે તો હરિ ! આવો ને.
આ ચંદરવો કરે ચાન્દની, હરિ ! આવો ને;
વેર્યાં તારલિયાના ફૂલ, હવે તો હરિ ! આવો ને.
પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ, હવે તો હરિ ! આવો ને.
આ જળમાં ઊઘડે પોયણાં, હરિ ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ, હવે તો હરિ ! આવો ને.
આ માથે મયંકનો મણિ તપે, હરિ ! આવો ને;
એવા આવો જીવનમણિ ભાવ ! હવે તો હરિ! આવો ને.
આ ચાન્દની ભરી છે તલાવડી, હરિ ! આવો ને;
ફૂલડિયે બાંધી છે પાંજ, હવે તો હરિ ! આવો ને.
આ આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને;
મનમહેરામણ, મહારાજ ! હવે તો હરિ ! આવો ને.
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ, હવે તો હરિ! આવો ને.
મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ, હવે તો હરિ ! આવો ને.
- ન્હાનાલાલ કવિ
(ઊર્મિસાગર.કૉમ)
કો’ સદ્યસ્નાતાના કેશકલાપમાંથી નીતરતાં જળમાં ભીંજાય જવાય એમ જ કવિની કલમે નવપલ્લવિત પ્રકૃતિનાં શૃંગાર રસમાં ભીંજાય જવાય છે. પ્રકૃતિનાં સૌંદર્યમાં જ ઈશ્વરીય અંશ હોવા છતાં, કવિનો માંહ્યલો પરમ તત્ત્વને પામવાની ઉત્કટ અભિલાષા ધરાવે છે. અને હરિને પણ વસંતના વૈભવને માણવાનું આમંત્રણ આપી બેસે છે.
.
the attachments to this post:


ન્હાનાલાલની ખૂબ જ પ્રસિદ્ધ અને ઉમદા રચના… આવી રચનાઓ ધ્યાનથી વાંચીએ ત્યારે આપણો ખરો સાહિત્ય-વારસો શું છે એ સમજાય…
આભાર, પિન્કીબેન !
હરિને પણ વસંતના વધામણા આપતું સુંદર ભાવ સભર ગીત!
સુધીર પટેલ.