અલી ઓ ફૂલની કલિ ! : રાજેન્દ્ર શાહ
અલી ઓ ફૂલની કલિ !
તારી પાંદડીનાં શત બંધન માંહી,
જો ગંધ કશી અકળાય !
એને સંગોપને રાખવા કાં તું ચ્હાય ?
જોને અહીંથી ઢાંકે તો ય પણેથી વાયરે ભળી જાય !
ઊરનાં ઊંડાં પાતાળ ભેદી ફૂટતી જે સરવાણી,
મૂક ભલેને હોય રહે નહિ તો ય ક્યહીં પણ છાની ;
એના દેહની પાળે જળની ઝાઝી છોળ જોને છલકાય.
મેલ રે ઘેલી મેલ અમૂંઝણ ! નિજનો તે શો નેડો ?
ઊડવા દેને જેમ ઊડે તેમ પાતળો પાલવ-છેડો !
તારું હૈયું ચડ્યું આજ તુફાને, હાથ રહ્યું નવ જાય.
તારી લજ્જાભરી નમણી નમે કાય.
દુનિયા તને જોઈને મીઠું મન મહીં મલકાય !
- રાજેન્દ્ર શાહ
વાસંતી વાયરાની એક હલ્કી લહર, રાજેન્દ્રભાઈની કલમે. કવિ કળીને સુરભિને પોતાની કેદમાંથી મુક્ત કરવાનું કહે છે પણ ખરેખર તો કવિ નિજનો નેડો છોડવાની વાત કરે છે. તો વાયરાને સંગ ઊડવાનું કહે છે એટલેકે, પરિસ્થિતિ અને સંજોગને અનુરૂપ રહેવું જોઈએ. વળી, અંતિમ પંક્તિમાં, લજ્જાભરી નમણી કાય નમેલી જોઇને દુનિયા મીઠું મલ્કાય, તેમ કહી નમ્રતા દાખવવાનું પણ સૂચન કરે છે.
.
the attachments to this post:


શ્રી રાજેન્દ્ર શાહની કલમપીંછીએથી વહેલી આ વાસંતી વાયરાની હલકી લહેર મનડાને લહેરે ચડાવી ગઈ અને શૈશવમાં ‘ગુલાબ’ પર શીખેલી એ કવિતા યાદ આવી ગઈ.
ગુલાબ ફૂલ તું શું મલકાય,
તુજ મન હર્ષ ઘણો લહેરાય.
નિરખી નિરખી ને આકાશ,
કાલું કહીં તું કરતું હાશ.
પવન સંગ તું રંગે રમે,
સુગંધ મીઠો ચોગમ ભમે.
પાંખડી તુજ કોમલ સુકુમાર,
ધરે રંગ મૃદુ હસ્તાવાર.
હસ્તુ રહે હો મધુર ગુલાબ,
હું તુજને તોડી નહીં દઊં,
નિરખી દૂરથી સુખમાં રહું.
હે કલી,ધમકે ન ખુશ્બુ તો ખુશ્બુ કહેવાય નહીં અને એને બાંધી પણ બંધાય નહીં.
કવિતા અને કાવ્યાસ્વાદ બંને ગમ્યા… નિજનો છેડો છોડવાની વાત ગમી ગઈ…
રા.શા. સાથે સરખામણી કરવાના હેતુથી નહીં પણ ગઈકાલ અને આજની કવિતામાં આવેલા પરિવર્તનના સંદર્ભે એક શેર આજ વિષય પર ટાંકું છું:
ફૂલને ખુશબૂની પાસે આઅટલું શીખું તો બસ,
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું!!
સુંદર ગીત. એનો ઉપાડ અને લય બન્ને મોહક છે. સૌંદર્યલક્ષી આ ગીત ફૂલની કળીની જેમ નવયૌવનાનું પણ છે.
ખૂબ જ સુંદર લયાત્મક ગીત!
સુધીર પટેલ,