જિદ્દે ચડ્યાં : રાજેન્દ્ર શાહ

 

એકલો હું છું અહીં સૂના ઘરે,
ભીંતની ઘડીયાળની છે ટકટક.

બારણાં ખુલ્લાં મૂક્યાં છે આ બધાં,
કોઈ ના દેખાય, કોની ઠકઠક ?

જોઉં બે મારી મહીં જિદ્દે ચડ્યાં;
આમ ન્હૈં ને તેમ એની રકઝક.

એક બીજાને કહે તું છે ગમાર,
જોતજોતામાં ઝરી ગઈ ચકમક.

વિષ્ટિની વાતો નકામી જ્યાં બધી,
સર્વભક્ષી અગ્નિ જ્વાલા ભકભક.

- રાજેન્દ્ર શાહ

 

મત્લાનાં શેરમાં ઘડિયાળની ટકટક એકલતાને, ખાલીપાને ડંખતી સંભળાય છે પણ જેમ આગળ જઇએ તેમ એકલતા ખુદ સાથે/સામે જિદ્દે ચડે છે.  મક્તાના શેર સુધીમાં તો સર્વભક્ષી અગ્નિ ભભૂકી જાય છે અને પછી તો વિષ્ટિની બધીયે વાતો બકબક.. !  પંડ્યની સાથે, નકારાત્મક સંજોગોનું સૂક્ષ્મ નિરુપણ.. !

 

શબ્દાર્થ :  વિષ્ટિ – સંધિ, સમાધાન.

 

.


4 Comments to “જિદ્દે ચડ્યાં : રાજેન્દ્ર શાહ”

  1. વિશિષ્ટ ગઝલ.

    અહીં મત્લાનું સામાન્ય સ્વરૂપ નથી – ઉલા મિસરામાં હમરદીફ-કાફિયાનો લોપ છે.
    ટકટક, ઠકઠક જેવા ગાગા માપના કફિયાઓનો કવિને સંસ્કૃત છંદો મુજબ ટક-ટ-કઅ (ગાલગા) એમ ઉચ્ચાર અભિપ્રેત લાગે છે.

    રાજેન્દ્ર શાહ અને ઉશનસ જેવા ઉંચા ગજાના કવિઓની ગઝલોને દાવા-દલીલ રૂપે નહીં પરંતુ કવિતાની ભૂમિકાએ જઈ માણવાનો પ્રયત્ન કરવો પડે. આ બન્ને ઉંચા ગજાના કવિઓની લય, છંદ, ઉચ્ચાર અને કાવ્યતત્વની સમજ આપણા ગજાની બહાર હોવાની શક્યતા વધુ છે.

  2. બહાર અને ભીતરની શાશ્વત લડાઈનું સુંદર શબ્દાંકન..

  3. sudhir patel says:

    સરસ ગઝલ.
    મત્લા વગરની ગઝલ તો લખાઈ છે, પરંતુ કાફિયામાં છંદની છૂટ સમજવી અઘરી છે.
    જોકે પંચમભાઈ કહે છે એમ એમને સંસ્કૃત છંદ મુજબ ઉચ્ચાર અભિપ્રેત હોઈ શકે.
    સુધીર પટેલ.

  4. Maheshchandra Naik says:

    કવિશ્રી રાજેન્દ્ર શાહની કવિતા એટલે જ ચિંતનાત્મક અભિવ્યક્તિ અને વિચાર માગી લેતી જીવનદ્રષ્ટિ……

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME