પગલું મૂક્યું છે તો રસ્તો થઈ જશે,
માપવાનો ખુદને, મોકો થઈ જશે.

એક બારી હું ઉઘાડું, એક તું,
સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

તું પુરાવા પ્રેમના માંગીશ ના,
સ્પર્શ કેવળ કર, ભરોસો થઈ જશે

ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
છાંયડો કોઈને ઓછો થઈ જશે.

તું વહે છે, તો વહ્યા કરજે સતત,
ભીતરી મૃગજળનો દરિયો થઈ જશે.

લાગણીનો ચાલ, માળો ગૂંથીએ,
શ્વાસ તારો, શ્વાસ મારો થઈ જશે. (તા.ક.)

- સુનિલ શાહ 

 

સુનિલભાઈ પગલું મૂકી રસ્તો શોધવાની વાત ખુમારીપૂર્વક કરે છે, તો ભીતરી નકારાત્મક ભ્રમણાઓનાં ‘મૃગજળ’ને દરિયો પણ બનાવી દે છે.   ડાળ તૂટે તો ય ધ્રાસ્કો તો એમ જ પડ્યો, કે કોઈનો છાંયડો ઓછો થઈ જશે. અને  એ જ તો ખુદને માપવાનો મોકો છે.  ખુદા માટે પણ…  આપણને માપવાનો મોકો… !!

 

Pinki on February 9th, 2010 | File Under ગઝલ, સુનિલ શાહ | 12 Comments -