આજના માણસની ગઝલ : જવાહર બક્ષી
ટોળાંની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું, પીટો મને કૈં થતું પણ નથી.
સાંત્વનના પોલા થીંગડામાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
- જવાહર બક્ષી
તાત્વિક અને વાસ્તવિક એવી આ ગઝલ એટલે – આજનો માણસ ! જીવનનો મર્મ ( હું છું ને હું નથી ! ) સમજીને પણ આજનો માણસ બ..સ ટોળાની શૂન્યતા સિવાય કશું નથી. ફૂટપાથ પર ટૂંટિયું વાળી સૂતેલા માણસના પ્હેરણમાં જેટલાં પોલા થીંગડા હોય છે તેટલો જ પોલો આજનો માણસ બની ગયો છે. અને આ ખાલીપણું પણ કેવું કે, ઢોલ પીટો તો પણ ? – કશાય કામનું નહીં. ક્યાંક વાંચેલું, દરેકનો પોતાનો ક્રોસ હોય છે, જે પોતે જ ઉપાડતો હોય છે. અને આથી જ કવિને પણ આજના માણસ અને ઈશુમાં કંઈ ફર્ક નથી લાગ્યો.
.

ખરેખર “માનવ” તો “માનવ” છે.
વિવેક ભાઇ તમારી કોઇ ધારદાર કોમેન્ટ આપો …
મારી પાસે તો શબ્દો જ નથી.
“માનવ”
આપણા પોલાપણા ને ખાલીપણાની ભરી-ભરી ગઝલ…
બન્ને ખૂબ જ દમદાર અને માર્મિક ગઝલો માણવાની મજા પડી!
કવિશ્રી જવાહર બક્ષીને જન્મ-દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન!
ચોથા શે’રના સાની મિસરામાં આ મુજબ હોવું જોઈએ એમ માનું છું, મૂળ ગઝલ જોઈ પાકું કરવા વિનંતી.
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી!
અભાર.
સુધીર પટેલ.
હું તો નગરનો ઢોલ છું દાંડી
પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું
નથી.
બહુ સુંદર લખ્યું છે.
શિરીષ દવે
વર્ષોથી જાનીતી માનીતી અને વખણાયેલી ગઝલ. જવાહર બક્ષીના નામ સાથે જ આ ગઝલ યાદ ન આવે તો નવાઈ.
ખાલીપણાના ઢોલ પર દાંડી પીટવાથી ઉઠતી ગુંજ કદાચ હોવાપણાને ઢંઢૉળી શકે !!
લતા હિરાણી
સમયની સાથે સાથે ભૌતિક સુખોની આધળીદોટમા માનવી પોતાની ઇન્દ્રિયો પ્રત્યે પણ એટલો બેધ્યાન બનવા માડ્યોછેકે એને પોતાના અસ્તિત્વની પણ ઉપેક્ષા ક્યારે અને કેવી રીતે કરી રહ્યો છે? તેની જાણ નથી થતી અને થાય ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હોય છે.માત્ર વેઠિયાની જેમ જીવતોછુ, કહેવા ખાતર જીવેછે સાચા અર્થમા જીન્દગી નથી જીવતો.
માનવિની લાગણીઓને ઢન્ઢોળવાનો આનાથી બીજો કયો પ્રયત્ન હોઇ શકે?