ગુજરાતી : ઉમાશંકર જોશી

 

મળી સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી;

કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીરા.

પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનાલાલે કલ્પના ભવ્ય તેજે;

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

- ઉમાશંકર જોશી

 

સવાયા ગુજરાતી ફાધર વાલેસ કહે છે, ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો.”   અને જ્યારે તેઓ અંગ્રેજીનાં મૂળ રહેલાં છે તેવી ગ્રીક અને લેટિન ભાષાનાં પણ અભ્યાસુ છે ત્યારે તેમનું આ વિધાન ખૂબ જ ગૌરવપ્રદ છે. તેઓએ વ્યાકરણની સરળતાની નહિં, પણ આપણી ગુજરાતીપણાંની સરળતાની વાત કરી છે.   ( તેમણે તેમનાં અંતિમ ગુજરાતી પુસ્તક શબ્દલોકમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે. )

આજે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે, આપણી સરળ અને સહજ માતૃભાષા અને તેને સમૃદ્ધ કરનાર સૌ સાહિત્યકારોને શતશત વંદન સહ.   કોઈ પણ ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે અને સાંપ્રત કાળમાં જ્યારે  ભાષાવાદનો વિવાદ તેનાં મૂળ પ્રસારી રહ્યો છે ત્યારે, વિશ્વની દરેક ભાષાને ગુજરાતી જેટલી જ સન્માનીય ગણી આજનાં દિને આદર વ્યકત કરું છું.    ગુણવંતભાઈ કહે છે એમ, માતાનાં ધાવણ પછીનાં ક્રમે માતૃભાષા આવે છે.  અને કોઈની પણ ‘મા’ -  માતૃહ્રદય જ ધરાવતી હોય.  આપણી  ‘ગુજરાતી’ ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે, જો અન્ય ભાષાની ગરિમા જાળવીશું તો આપણી ગરિમા તો જળવાશે જ.  બ…સ જરુર છે, માતૃભાષા પ્રત્યે પ્રેમની.

 

 

.


11 Comments to “ગુજરાતી : ઉમાશંકર જોશી”

  1. chetu says:

    સુન્દર રચના..!! જય ગરવી ગુજરાત અને ગુજરાતી ભાષા..!!

  2. વાહ પિન્કીબેન,બહુ સરસ અને દરેક ગુજરાતીએ ગૌરવ લેવા જેવી રચના લઈ આવ્યા આજે…..
    તમારી વાત સાચી અને સમજવા જેવી છે કે,આપણી‘ગુજરાતી’ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે.
    એક ગુજરાતી હોવાનું મને ય ગૌરવ છે અને એ દરેક ગુજરાતીને હોવું જોઈએ.

  3. "માનવ" says:

    વાહ !

    ખુબ જ સરસ લખ્યું છે…

    ગુજરાતીની એક અલગ ઓળખાણ આ કવીતા માં જોવા મળી,

    આમ તો,

    મારવાડી પાસેથી માલ લઇને સીન્ધી ને વેચે,

    અને એમાં પણ નફો કાઢી લે,

    એનું નામ ‘ગુજરાતી’…

    ………………………

    “લાંબો ડગલો,

    મુછો વાંકડી,

    શીરે પાઘડી રાતી,

    બોલ બોલતો તોળી તોળી,

    ‘છેલ છબીલો ગુજરાતી’ હું ‘છેલ છબીલો ગુજરાતી’.

    - અજ્ઞાત

    “માનવ”

  4. સુંદર રચના…

  5. sudhir patel says:

    ગુજરાતી ભાષાનું ગૌરવ કરતું સુંદર કાવ્ય!
    સુધીર પટેલ.

  6. Dinesh Pandya says:

    ૨૧ ફેબ્રુઆરી – આંતરરાષ્ટીય માતૃભાષા દિવસ પર આપણી ગરવી ગુજરાતી માતૃભાષાનું
    ગૌરવ કરતું કાવ્ય અને ખાસ તો કાવ્ય પછીની નોંધ અહીં રજુ કરવા બદલ ધન્યવાદ

    દિનેશ પંડ્યા

  7. Heena Parekh says:

    ઉમાશંકર જોશીની કવિતા અને આપનું આલેખન-બન્ને સરસ. અભિનંદન.

  8. તમારી ભાવનાને શત શત વંદન.

  9. vajesinh says:

    ગુજરાતીને ગાંધીગિરા ગુજરાતીની કવિવર ઉમાશંકરની ઉપમા આપણી ભાષાની મહત્તાને પ્રસ્થાપિત કરે છે.ગાંધીજીનું નામ રહેશે ત્યાં સુધી ગુજરાતી પણ રહેશે એમાં કોઈ શંકા નથી.

  10. Pinki says:

    પ્રિય વજેસિંહભાઈ, વૅબમહેફિલમાં આપનું હાર્દિક સ્વાગત !
    અને આપની આ વાત સાથે સો નહીં એક હજાર ટકા સંમત થઈશ. હમણાં જ એક કાર્યક્રમમાં, આપણા સૌના પ્રિય તુષારભાઈ શુક્લએ એક પ્રસંગ ટાંકેલો. વિદેશમાં તેમનાં એક કાર્યક્રમમાં એક વિદેશીને ‘ગુજરાતી’ ભાષાની ઓળખ આપતાં કહેલું, ‘ગુજરાતી’ એટલે ગાંધીજીની માતૃભાષા.
    Gujarati is an Indian regional language, Gandhiji’s mother-tongue. :)

  11. bhushan says:

    ખુબ સુન્દ્ર્રર

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME