અમે અમદાવાદી : અવિનાશ વ્યાસ

( અમદાવાદની પહેલી પોળ )
અમે અમદાવાદી, અમે અમદાવાદી.
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,
અમે અમદાવાદી.
અમદાવાદના જીવનનો સૂણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલાં બોલે મિલનુ ભૂંગળુ પછી પુકારે કૂકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતાં, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરનાં ‘નગદેશ્વર’નો રસ્તો કયાં છે ઢૂંકડો,
મિલ મજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી,
અમે અમદાવાદી.
સમાજવાદી, કોંગ્રેસવાદી, શાહીવાદી, મૂડીવાદી.
નહિ સમિતિ, નહિ કમિટિ, નહિ સોશ્યાલિસ્ટ કે જ્ઞાતિવાદી,
નહિ વાદની વાદવિવાદી, ‘M’ વિટામિનવાદી.
અમે અમદાવાદી.
ઊડે હવામાં ધોતિયું ને પ્હેરી ટોપી ખાદી,
ઊઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓ તો સૂકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવે તો ભલભલાની ઉથલાવી દે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
અમે અમદાવાદી.
હોય ભલે ને સક્કરમી કે હોય ભલે અક્કરમી,
રાખે ના ગરમીની મોસમ કોઈની શરમાશરમી.
પણ ઠંડીમાં બંડીને ભરમે ના રહેવાનું ભરમી,
ચોમાસાનાં ચાર ટીપાંમાં ધરમ કરી લે ધરમી.
આવી તો ભાઈ બહુ કહેવાની, આ તો કહી નાંખી એકાદી.
અમે અમદાવાદી.
પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પાછી જાય શેરીમાં ઢળી,
શેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી,
અરે મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચૂંકી ગલી-ગલીમાં વળી વળી ને ભલી,
ભાઈ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
અમે અમદાવાદી, ભાઈ અમે અમદાવાદી.
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,
અમે અમદાવાદી.
- અવિનાશ વ્યાસ
અમદાવાદની વાત કરીએ અને અવિનાશભાઈનું આ ગીત યાદ ના કરીએ તો કેમ ચાલે ? આ ગીતમાં તેમણે અમદાવાદનું આબેહૂબ વર્ણન કર્યું છે. જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ પોળનું મૂહૅુત કર્યું તે આજે પણ જૂના શેરબજારનાં મકાનની બરાબર સામે અડીખમ ઊભી છે. અમદાવાદની પોળોનો ઈતિહાસ જાણવા લોકો વિદેશથી પણ આવે છે. (ઑડિયો)
* પોળ શબ્દ સંસ્કૃત ‘પ્રતોલિ’ પરથી આવ્યો છે, જેનો અર્થ દરવાજો વાળો મહોલ્લો થાય છે. * ઓળ એટલે હાર કે પંક્તિ દુકાનોની હાર એટલે કે બજાર જેમકે આજનું ચાંલ્લાઓળ * અમદાવાદની રચના તે સમયની ગુજરાતની રાજધાની પાટણ શહેર મુજબ કરવામાં આવી છે.
.
the attachments to this post:


આ ગીત સાંભળવા માટે આ લીંક ઉપયોગ કરી શકો છો.
http://vinelamoti.com/wp-content/uploads/2010/03/ame-amaddavadi.mp3
“માનવ”
વાહ… સુંદર રચના… કોઈએ સ્વરબદ્ધ નથી કરી?
Pinki : It’s composed but one stanza is omitted. I forgot to put the link, now added.
અમદાવાદ અને અમદાવાદીનો ચિતાર આપતું મજાનું ગીત!
સુધીર પટેલ.
અમદાવાદની અંદર-બહાર ને અરતે-ફરતે સરસ ડોકિયું.