હું અમદાવાદનો રીક્ષાવાળો : અવિનાશ વ્યાસ

rixa

( અમદાવાદની સફર રીક્ષામાં )

હું અમદાવાદનો રીક્ષાવાળો, નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ બતાવું ચાલો.

એવી રીક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો.

હું અમદાવાદનો રીક્ષાવાળો.

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય,
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો.
અમદાવાદ બતાવું ચાલો.

હું અમદાવાદનો રીક્ષાવાળો.

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બૂટ ચોરવાવાળો.
અમદાવાદ બતાવું ચાલો.

હું અમદાવાદનો રીક્ષાવાળો.

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જયાફત ઊડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે,
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો.
અમદાવાદ બતાવું ચાલો.

હું અમદાવાદનો રીક્ષાવાળો.

લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમજાય,
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો.
અમદાવાદ બતાવું ચાલો.

હું અમદાવાદનો રિક્ષાવાળો.

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી,
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી,
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો.
અમદાવાદ બતાવું ચાલો.

હું અમદાવાદનો રીક્ષાવાળો.

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રીક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે, કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો.

- અવિનાશ વ્યાસ

સાંપ્રત સમયમાં ઐતિહાસિક પુરાવાઓ હસ્તપ્રતો, શિલાલેખો કે તેની બાંધણી અથવા ઐતિહાસિક કે સાહિત્યિક પુસ્તકોને આધારે મેળવવામાં આવે છે. પરંતુ આજે આ ગીત ( વિવેકભાઈની ખાસ પસંદગી ) મૂકતી વખતે તેની વિડીયો લીંક જોતાં લાગ્યું કે, ભવિષ્યમાં આવી વિડીયો પણ અમદાવાદનાં જૂનાં સંભારણાંની યાદ અપાવશે.  પાછલાં દશ વર્ષોમાં જ અમદાવાદનો નકશો બદલાઈ ગયો છે. ત્યારે આ જૂનું અમદાવાદ માણવું ગમશે જ. ( ઑડિયો ) કિશોરકુમારનાં સ્વરમાં.  રીક્ષા એ અમદાવાદની આગવી ઓળખ છે, તો અમદાવાદને રીક્ષામાં બેસી માણવા આ વિડીયો જરુર જોશો.

* રીચી રોડના અડ્ડા જેવી હોટલ એટલે ગાંધીરોડ પર આવેલી ચંદ્રવિલાસ હોટેલ જેની જલેબી અને દાળ ખૂબ વખણાતાં. * લૉ-ગાર્ડન – અમદાવાદનો એક જાણીતો બગીચો.

તા.ક. ગઝલપ્રેમીઓ માટે :

અમદાવાદની છસો વર્ષની ઉજવણી માટે ૩-૪ મહિના પહેલાં નેટ પર સર્ચ કરતાં જાણવા મળ્યું કે અમદાવાદ કે તેનાં ઈતિહાસની વધુ માહિતી નેટ પર અંગ્રેજીમાં વીકી પર (ગુજરાતીમાં તો ?) પણ ઉપલબ્ધ નથી. આથી તે અંગે વધુ અભ્યાસ કરી ટૂંક માહિતી મૂકવામાં આવી છે. ( જે પણ માહિતી આપવામાં આવી છે તેમાં આંશિક કે પૂર્ણ રુપે તથ્ય રહેલું છે. )  સાહિત્યિક મૂલ્ય આપને ન લાગે પણ તેનું ઐતિહાસિક મૂલ્ય જરા પણ ઓછું નથી. અહમદશાહનાં માણેકબુરજ થી રીવર ફીન્ટ અમદાવાદનો  ઈતિહાસ માણી વળી જલ્દીથી ગઝલ માણીશું.  શક્ય છે કે,  ભવિષ્યમાં રીક્ષા પણ એક ભૂતકાળ હોય. :)

.


the attachments to this post:

rixa
rixa


6 Comments to “હું અમદાવાદનો રીક્ષાવાળો : અવિનાશ વ્યાસ”

  1. nilam doshi says:

    પીંકી..ખૂબ જાણીતુ અને માનીતુ ગીત માણવાની મજા માણી….

  2. પીકીં દીદી ગીત સાંભળતા-સાંભળતા લખેલું છે કે શું?

    “માનવ”

  3. sudhir patel says:

    ખૂબ જ સરસ જાણીતું અને માનીતું ગીત!
    અમદાવાદની ખરી ઓળખ આપતું અને એની સેર કરાવતું ગીત મૂકવા બદલ આભાર!
    સુધીર પટેલ.

  4. કોઈ પણ શહેર વિશે લખાયેલ હોય એવા ગીતોમાં આ ગીત નિઃશંક શિરમોર છે. ભલે એ ફિલ્મી ગીત હોય પણ અદભુત રીતે લખાયું છે અને કિશોરદાએ જે મસ્તીથી એ ગાયું છે એ પણ આસ્વાદ્ય છે. ઘરે બેસીને સાંભળતાં હોઈએ તો પણ એવું જ લાગે જાણે રીક્ષામાં જ બેઠાં ન હોઈએ…

    આભાર!!!

  5. જાણીતી અને માનીતી રચના.

  6. Prashant says:

    મિત્રો-
    અમદાવાદ ને તેના ૬૦૦ માં જન્મદિવસે આનાથી સારી ભેટ શું આપી શકું? આપ સો વાચક મિત્રો ને હું ગાયક તરીકે મારી શુભેચ્છાઓ સંગીતસાથે સમર્પું છું

    http://www.youtube.com/naadyog#p/a/u/6/XkHfQhhc3II

    Pinki : Thanks for sharing your video but link is not working.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME