મોસમનો પહેલો ગરમાળો : વિવેક મનહર ટેલર

 

garmalo

( ગરમાળાનાં ઝૂમખે ઝૂમખે લટકતો સોનેરી તડકો )

peeLak

 ( પીળક બાંધે છે માળો -  Eurasian Golden Oriole – ફોટો : વિવેક ટેલર )

 

પીળઝાણ નજરો ને પીળચટ્ટા શબ્દો ને પીળપદા શ્વાસનો શો તાળો ?
હો, મને વૈદ કને ન લઈ ચાલો, જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ, પહેલી પીળાશ ફૂટી આજે;
પીળી આંખોમાં હવે પીળી આવે છે ઊંઘ, પીળવત્તર સપનાંઓ આવે,
પીળુકડા સૂરજની પીળમજી ડાળો પર પીળક* બાંધે છે હવે માળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

ઠંડકની પાનખર બેઠી નગરમાં ને, તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો, બારી ન એકે સલામત,
બળઝળતા દિવસો પર ગીધડાંની જેમ નખ ભેરવીને બેઠો ઉનાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું, પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે, જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

- વિવેક મનહર ટેલર
(૧૦-૧૫/૦૩/૨૦૦૯)

 

હજુ હમણાં તો, હોળીમાં રંગોથી રંગાયા, તેનો રંગ મનમાંથી તો હજુયે નથી ગયો કે ભીંજાયેલી ઓઢણી કોરી ય નથી થઈ…  અને બે જ દિવસમાં કાળઝાળ ગરમીએ તેનાં પીળચટ્ટાં રંગે રંગી દીધાં.   અગ્નિનો રંગ પીળો અને લાલ હોય…  અને કદાચ એટલે જ, આ  બળબળતી બપોરે, ગરમાળો અને ગુલમ્હોર, અગ્નિનાં પ્રતિક બની ઊભાં હશે ?  ગરમાળાનાં ઝુમખે ઝુમખે લટકતો આ સોનેરી તડકો વિવેકભાઈની કલમે તેમનાં જન્મદિને માણવો જરુર ગમશે.  જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.   

અન્ય સમ-નામી કવિમિત્ર વિવેકભાઈ કાણે ‘સહજ’ નો પણ આજે જ જન્મદિન છે તો તેમની પણ એક ગઝલ માણીશું.

* પીળક – એક પક્ષી. તેનો કંઠ માણવા આ ફ્રેંચ વૅબસાઇટની મુલાકાત લેશો.  તેમાં દર્શાવેલ ‘ play audio’ option પર ક્લિક કરી, તમારા કોમ્પ્યુટરમાં સેવ કરવાથી Windows media playerમાં તેને માણી શકશો.   ફ્રેંચ લોરિયટ (Loriot) અને આપણા ભારતીય સુવર્ણ પીળકનો ટહુકો એક જ છે, એને ફ્રેંચ કે ગુજરાતી આડે નથી આવતું માણસોની જેમ !  :)

 

 

.


the attachments to this post:

peeLak
peeLak

garmalo
garmalo


11 Comments to “મોસમનો પહેલો ગરમાળો : વિવેક મનહર ટેલર”

  1. Niraj says:

    સુન્દર રચના… વિવેકભાઇને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..

  2. preetam lakhlani says:

    ભાઈ વિવેક્ને જન્મદિન મુબારક્!!!,
    બહુ જ સરસ મજાનુ ગીત્….. તમારા ગીતનો આનદ શબ્દમા વ્યકત્ નથી કરી શકતો !!!!ગરમાળો શબ્દ જ એવો લાજવાબ છે કે તમારુ ગીત વાચતા જ મનોજ ખડેરિયાની એક ગઝલ યાદ આવી ગઈ!!!

  3. sudhir patel says:

    સુંદર ગીત ફરી અહીં માણવાની મજા આવી!
    વિવેકભાઈને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
    સુધીર પટેલ.

  4. jjugalkishor says:

    અલ્યા ભૈ,

    આવડી મોટી વાત થૈ,ને હાવ ધ્યાન બારી ગઈ ?!જનમદિન આવો મજાનો સોનરંગી હશેની ખબર્ય નો’તી નકર મોડું નૉ કરત ભાઈ.

    ખાસ તો મારા પ્રિય પંખી પીળકને યાદ કરવા બદલ મારા તરફથી આભાર. પીળકનો ફોટુંય મેલી દીધો હોત તો રંગ રૈ જાત.

    અમને આયુર્વેદવાળાઓને તો આમેય ગરમાળો ગમે, પણ વૈદ્ય કને લૈ જવાનીય જરુર ન જોતી તમારી પંક્તિઓમાં ગરમાળાને વધુ ગૌરવ બક્ષ્યું છે તમે.

    બહેન પીંકીને ગરમાળાનું સુવર્ણ મારા તરફથી ભેટ !! નારીજાતિને સોનું બહુ ગમે, પણ તમે તો બહેન એને સૌમાં વહેંચીને માણ્યું. સર્જક–પ્રચારક બન્નેનો ધન્યવાદ સાથે આભાર.

    કાવ્ય માટે તો કહેવાનું શું હોય ? ઉનાળાને ને ગરમાળાને બહુ સરસ ન્યાય આપ્યો છે.

  5. Jayshree Merchant says:

    “મોસમનો પહેલો ગરમાળો” – “જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ!”
    મજાનુઁ ગીત! ઉનાળો મહેકાવી દે!

  6. વિવેકભાઈને જન્મદિનની વધાઈ. સુંદર ગીત. ઉનાળાની શરૂઆતે જ ગરમાળાથી ઠંડક.

  7. સહુ દોસ્તોનો હૃદયપૂર્વક આભાર…

    @ જુગલભાઈ: પીળકનો એક ફોટો આપ અહીં માણી શક્શો:
    http://vmtailor.com/archives/377

  8. jjugalkishor says:

    સાચ્ચે જ આભાર. પીળકનો હવે પછી કંઠ ક્યાંક માણીશું !

  9. પ્રિય જુગલભાઈ,

    પીળક હંમેશા સારસની જેમ જોડીમાં જ રહે… એની સાથે મારેય એક જ વાર ક્ષણિક સંગત થઈ હતી… ફરી થાય તો અવાજ રેકર્ડ કરવાની કોશિશ જરૂર કરીશ…

  10. pragnaju says:

    વારં વાર માણવું ગમે
    સંભળાયા કવ્વાલીનાં સૂર
    ગીત ના ઘેઘુર ગરમાળા માં ચુમ છે તને
    બે ગઝલ ની વચ્ચે ના ગાળા માં ચુમ છે તને..
    સાચું કહું તો આ ગણીત અમથુ નથી પાકુ થયું.
    બે અને બે હોઠોની વચ્ચેના ગાળા માં ચુમ છે તને….

  11. આદરણીય પ્રજ્ઞાજુ,

    આપને જેની યાદ આવી એ કવ્વાલી નહીં પણ મુકુલભાઈની જ ગઝલના બે શેર છે…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME