સોહામણી : ધૈવત શુક્લ

આંગણે આવી મદમાત સોહામણી,
તારકોથી મઢી રાત સોહામણી.
એકની દૃષ્ટિનો પાત સોહામણી,
એકની સૃષ્ટિ રળિયાત સોહામણી.
ફૂલ ખીલી રહ્યાં સાત સોહામણી,
ચોતરફ મઘમઘે જાત સોહામણી.
દૃગ નિરખતા ભલી ભાત સોહામણી,
ભીતરે શોભતી ભાત સોહામણી.
પવનથી કંપતા પાત, સોહામણી,
એમ સ્પર્શી રહ્યાં ગાત, સોહામણી.
તું જ છે એ ખરેખાત, સોહામણી ?
જે મને થઈ રહી જ્ઞાત સોહામણી ?
કોઈ કરતું રહ્યું વાત સોહામણી,
કોઈ સૂણતું ગયું વાત સોહામણી.
ઊર્ધ્વમાંથી નર્યું કૈં ઝર્યું મૂળ લગ,
ને થયું એમ પરભાત, સોહામણી !
- ધૈવત શુક્લ
ધૈવતભાઈની કલમે એક નાજુક, નમણી અને સોહામણી ગઝલ. સોહામણી પ્રિયતમાનાં રુપ સૌંદર્યનું પાન કરતાં કરતાં કવિ ભીતરી સૌંદર્યને પણ માણી જ લે છે. તારકોથી મઢેલી રાત્રિએ ’કોઇ’ વાત કરતું રહે છે અને ‘કોઇ’ સાંભળતું રહે છે અને ક્યારે પ્રભાત થઈ જાય છે તે ખયાલ પણ નથી રહેતો !
શબ્દાર્થ : મદમાત – મદમાં,મદોનમત્ત. પાત – પત્ર,પાંદડું,પતન. રળિયાત – રળિયામણું. દૃગ – આંખ. ગાત – ગાત્ર. ખરેખાત – ખરેખર.
.
the attachments to this post:


સુંદર અર્થગહન ગઝલ… છેલ્લો શેર ખૂબ સરસ થયો છે…
આ સોહામણી રચના
-છંદ: ગાલગા ગાલગા ગાલગા ગાલગા
વાંચતાની સાથે જ ખૂબ જ ગમી ગઈ… !
દૃગ નિરખતા ભલી ભાત સોહામણી,
ભીતરે શોભતી ભાત સોહામણી.
પવનથી કંપતા પાત, સોહામણી,
એમ સ્પર્શી રહ્યાં ગાત, સોહામણી.
તું જ છે એ ખરેખાત, સોહામણી ?
જે મને થઈ રહી જ્ઞાત સોહામણી ?
વાહ્
ચીલાચાલુ શાળા-કોલેજને બદલે ઘેર રહી માતાપિતા પાસે ભણેલો ધૈવતનો સૂર ખૂબ મધુર..
સુંદર ગઝલ.. પ્રેમનાં ભાવ ખુબ જ સહજતાથી વણી લીધાં છે.
સુંદર સોહામણી ગઝલ!
સુધીર પટેલ.
ધૈવત ભાઇ લખે એ કાંઇ જેમ-તેમ હોય…..!
મને ગમતી અર્થગહન ગઝલ.
પ્રેમી માટે મિલનની વાત તો સાધક માટે કુંડલિનીની વાત.
Pinki : પંચમભાઈ,અંતિમ શેરમાં સાધકવાળી વાત લાગુ પડે છે. વધુ રસદર્શન કરાવશો તો આનંદ થશે કે ધૈવતભાઈને જ આમંત્રણ આપીએ !!