પુષ્પ તણી પાંદડીએ : સુન્દરમ્

 

pushp tani pandadiye- dalia

 ( પુષ્પ તણી પાંદડીએ )

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઊરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવર તીર ?

અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

-  ‘સુન્દરમ્’

 

કવિ સુન્દરમનાં જન્મદિને તેમનું એક સુંદર આધ્યાત્મિક  પ્રકૃતિ કાવ્ય.  આમ તો આ કાવ્ય વિષે એક પુસ્તક જ લખી શકાય.  પણ ટૂંકમાં કહું તો, નદી કિનારે બેસી એકાંતમાં ખળખળ વહેતાં પાણીનાં ‘કલરવ’ને માણ્યો છે ?  પ્રકૃતિનાં કણ-કણમાં પરમ તત્ત્વનો વાસ છે અને તેની પ્રતીતિ આપણને રોજ ઈશ્વર કરાવે જ છે, પણ બસ તેને નિહાળવાની દ્રષ્ટિ જોઈએ. 

 

શબ્દાર્થ :  હાસ-હાસ્ય.  પુલકિત-રોમાંચિત.   મુખરિત-વાચાળ,બોલકું.   કૂપ-કૂવો.

 

.


the attachments to this post:

pushp tani pandadiye- dalia
pushp tani pandadiye- dalia

flower (3)
flower (3)

zakal
zakal

waterdrop.1
waterdrop.1


7 Comments to “પુષ્પ તણી પાંદડીએ : સુન્દરમ્”

  1. જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…

  2. લયસ્તરો પર બે વર્ષ પહેલાં સુન્દરમ્ સુધા નિમિત્તે એમની ચૂંટેલી કવિતાઓ એમના ફોટોગ્રાફ્સ સાથે આઠ દિવસ સળંગ મૂકવાનું થયેલું… એ અલગ-અલગ રંગની રચનાઓ અહીં માણી શકાશે:

    http://layastaro.com/?cat=479

  3. સુંદરમનું સરસ સુંદર ગીત.
    યાદ કરાવતું નીકટ અતીત.

  4. ખુબ સરસ

  5. ilajayswal says:

    kadi brahma rupe tu anu e anuma vilasato!

  6. vihang vyas says:

    ખુબજ આનંદદાયક કાવ્ય, જે કવિનાં નિજી અનુભવમાંથી આવતું કાવ્ય હોય, (એમાંય પાછો પરમ તત્વનો અનુભવ) તે કેવું આહલાદક લાગે !

  7. હોઠે રમતું પ્રાર્થનાની કક્ષાનું કાવ્ય. અબાલ વૃદ્ધ સહુને ગમતું કાવ્ય.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME