પાંપણનો તકાજો છે : મકરન્દ દવે

 

પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે,
પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.

સૂમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત,
તો કોણ અહીં આવ્યું, આ કોની આહટ છે ?

એ આવશે અચાનક, ને આવશે ઘડી પલ,
પલકોની મજા ખાતર, સદીઓની સજાવટ છે.

નફરતની નજર માટે મેં માગી આ દુવાઈ,
નાપાક છે ન દુનિયા, ના કોઈ નપાવટ છે.

મારો પુકાર એક જ, સોગાદ તારી સો સો,
હે રામ, કેવી હાજર, પ્રેમીની રખાવટ છે !

મારી તમારી વચ્ચે બસ એક છે તફાવત,
નાદાન હું રહ્યો ને તમને બધી ફાવટ છે.

યારો  હવે જવા દો, દાટી દો દુશ્મનીને
બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.

– મકરન્દ દવે

 

સાંઇ કવિ મકરન્દ દવેની કલમે તસવ્વુફનાં રંગે તો આપણે રંગાઇએ છીએ, પણ આજે ઈશ્કનાં તગઝ્ઝુલને પણ માણીએ.  અંતિમ બે અશઆરમાં તેમનો ઈશ્કે-મિજાજ અનેરો જ ખીલ્યો  છે.

 

.


7 Comments to “પાંપણનો તકાજો છે : મકરન્દ દવે”

  1. vishwadeep says:

    મકરન્દ દવેની સુંદર રચના..

  2. nilam doshi says:

    બે શ્વાસનેી બાજેી અને પળનેી પતાવટ..વાહ….

  3. સુંદર રચના…

    છંદ વિશે વિચારું છું તો…

  4. મસ્ત અલગારી ગઝલ.

    મારી દૃષ્ટિએ…

    અહીં ‘ગાગા લગા લગાગા’ અને ‘ગાગાલ લગાગાગા’નાં સમમાત્રિક અને કુદરતી રીતે નીપજતાં મિશ્રણથી પ્રચલિત શાસ્ત્રીય છંદ (ગાગા લગા લગાગા)ના બન્ને પલડાંમાં તાલનું સુંદર સંતુલન અનુભવાય છે.

    હા, નીચેના શેરના પઠનમાં મને પણ થોડો ખટકો લાગે છે (સાની મિસરામાં ‘બધી’ ને ‘લલ’ માપમાં બોલતાં)

    મારી તમારી વચ્ચે બસ એક છે તફાવત,
    નાદાન હું રહ્યો ને તમને બધી ફાવટ છે.

    શબ્દ-અર્થ અને છંદ-લય-તાલની ખરી કરામત તો આવા કવિઓનું પઠન વારંવાર સાંભળવાથી અને કવિસ્ફુરણ સાથે તદ્રૂપ થવાથી જ પામી શકાય એવું મને લાગે છે.

  5. વિવેકભાઈની સતર્કતા અને અવલોકન બરાબર જ છે. એમને સલામ.
    એમની જેમ હું પણ વિચારું જ છું.

  6. ગાગાલગા લગાગા – આ છંદ મૂળભૂત હોવાનું લાગે છે પણ એ બધે જળવાતો નથી… વિષમ છંદ વાપર્યો હોવાનું પણ જણાતું નથી.. કવિએ છંદ કરતાં લય પર વધુ ધ્યાન આપ્યું હોય એમ લાગે છે એતલે જ છંદદોષ જન્મે છે. સાંઈકવિ મૂળે ગીતના કવિ છે, ઊર્મિના ગાયક છે અને એમના કાવ્યોના સ્તર સુધી પહોંચવાનું મારા માટે તો કદાચ ચોર્યાસી લાખ જન્મોમાં પણ શક્ય નથી, એવું વિચારવાની ગુસ્તાખી પણ હું નહીં કરું પણ મારું નમ્રપણે માનવું છે કે મોટા ગજાના કવિઓએ કવિતાની શિસ્તની બાબતમાં પણ એટલું જ મોટું ગજું (ચુસ્તતા) દાખવવી ઘટે…

  7. મારી દૃષ્ટિએ ફૌજીશિસ્તથી કવિતાને ફાયદા કરતાં નુકશાન જ વધુ છે.

    શીખતી વખતે જરૂરી એવી બધી બાબતોનું ધ્યાન રહે તે બરાબર છે પણ કવિતાને જેટલી કુદરતી અને મુકત રાખી શકાય એટલી રાખવાનો મહિમા પણ કરવા જેવો છે. મને લાગે છે મોટા ભાગના મોટા ગજાના કવિઓને આ કહેવાતી ચુસ્તીનું મહત્વ, પ્રમાણભાન અને વિવેક હશે જ એમ માનુ છું.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME