આપણી વચ્ચે હતી : ખલીલ ધનતેજવી
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.
આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.
આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.
કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.
આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી ?
આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?
યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી ?
એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ,
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી.
- ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવીની તેજાબી કલમે પ્રેમોર્મિની ગઝલ. મત્લામાં જ કવિ વિષયવસ્તુનો અણસાર સહજ રીતે આપી દે છે. હજુ તો પ્રેમના અરમાન દિલમાં જાગ્યાં છે અને ત્યાં જ દુનિયા પ્રેમીઓની વચ્ચે આવી ગઈ છે. અને પ્રેમીઓની એ લીલીછમ અવસ્થાને કોઈની મેલી ‘મંથરા’ વટી ક્ષણ માત્રમાં સદીઓનો વનવાસ આપી જાય છે.
.

બહુ જ સરસ ગઝલ્!!!!!!!!!
પ્રેમ
“આ અઢી અક્ષરમાં એટલી તાકાત છે
કે આખું વિશ્વ એની આગળ પાણી ભરે છે”
સુંદર ગઝલ..
સુંદર રચના.
આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.
આ વાત સાચી દુર હોવા છ્તા એકશ્વાસોશ્વાસમા હોવા છતામ પ્રતિક્ષા આપણિ વચ્ચે હતી.ખુબ સરસ ભાવ!!
સપના
ખલીલભાઈની ખૂબ જ જાણીતી રચના… આખરી શેર અદભુત છે…
સરસ ગઝલ.
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સુંદર ગઝલ
સરસ
દુનિયામાં દરેકને દરેક સુખ નથી મળતા
નદીની દરેક લહેરને કિનારો નથી મળતો
આ પ્રેમીઓની દુનિયા જ છે ગજબની
કોઈને પ્રેમ તો કોઈ પ્રેમીને નથી મળતા
એક ક્ષણ માટે જ મંથરા…. બહોત ખૂબ..