આ હાથમાં ગાંડિવ છે : દેવદાસ ‘અમીર’
કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે આ હાથમાં ગાંડિવ છે, ગોફણ નથી !
હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા તું એમ વરતે છે, કે કંઈ સગપણ નથી ?
જાન આપો કે ન આપો, આંચકીને લઈ જશે,
આવશે હકદાર થઈને, મોત કંઇ માગણ નથી !
અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !
મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.
હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.
ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરિફાઈ ‘અમીર’ ?
મારી સમૃદ્ધિનાં કાંઈ એક-બે કારણ નથી !
- દેવદાસ ‘અમીર’
અધૂરા માનવીની એક ‘અમીરી’ ગઝલ. જેમાં માનવ સ્વભાવનું ઝીણવટ અને જતનપૂર્વક નિરુપણ કરવામાં આવ્યું છે. (ઑડિયો )
.

જાન આપો કે ન આપો…. મોત કંઇ માગણ નથી…
વાહ્. વાહ…
અધુરા માનવીની ગઝલ….
વાહ…!
વાહ…. દરેક શેર જોરદાર છે. આખાબોલી ગઝલ.
અમીરની ગઝલ મનભરી ને વાચવા જેવી છે,તેમની એક ગઝલ્,ગમેત થાય અશુવ્રરનને રોકવુ પડશે, વ્યથાને વ્યકત કરવા બીજુ કઈ સોધવુ પડશે….આ ગઝલ મનહર ભાઈએ દીલથી ગાય છે… અહિ પ્રગટ કરેલ ગઝ લ વિશે જેટલુ લખુ આટલુ ઓછુ પડશે…સરસથી ચલાવી લેવુ પડશે….
સુંદર પરંપરાગત ગઝલ.
ખૂબ જ દમદાર મિજાજથી ભરપૂર ગઝલ!
સુધીર પટેલ.
સરસ ગઝલ. એકે એક શેર માણવાની મજા આવી.
જાન આપો કે ન આપો, આંચકીને લઈ જશે,
આવશે હકદાર થઈને, મોત કંઇ માગણ નથી !
અ દ ભૂ ત
તેમના આ શેરો તો ગમે જ છે
જે સંકુચિત ધોરણ છે તે રહેશે અહીં ‘અમીર”!
તારી ભલે વિશાળ મતિ હોય તોય શું ?
વિધાત્રી, બહુ લખ્યા તેં લેખ લોકોનાં લલાટો પર
હવે તારા લખી નાખું પછી તું ભાલ તો જો જે