એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’

 

હૂંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;  હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે,
સવાલ એ નથી, એ માનવી કે કોઇ મત્સ્ય છે;  બધાંની ભીતરે કશેક એક તત્વ દિવ્ય છે.

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા ?  શું સ્થિરતા, પ્રવાહિતા,  શું સામ, દામ, દંડ, ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને, આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,
સ્વભાવગત આ વાત છે સ્વીકારવું – નકારવું,  કરૂણતાઓથી ભર્યું જીવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે;  ક્ષણિક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત;  વિવેચકોની દ્રષ્ટિઓ ય લીન છે સ્વરૂપમાં,
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ;  સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

- જિગર જોષી ‘પ્રેમ’

 

 મત્લામાં જ કવિ સૂચવે છે,  હૂંફાળો સ્પર્શ કાનને કરીને, વાતને (ગઝલને) સાંભળજો.  કવિ કાન પકડીને પોતાની વાત નથી મનાવતો.  એ તો બસ હળવેથી ’કાન’ને  જગાડે છે.  અંકિત કહે છે એમ, કાન ‘કાનજી’ બની જાય તેવી જ આ વાત છે.  જીંદગીનાં સનાતન સત્યોને જો આમ જ હળવેથી સૂણીએ તો ?!!   સુ:ખ અને દુ:ખ એ તો જીવનચક્રનાં બે પૈડાં છે પણ બધુંય ક્ષણિક જ છે.  પણ આપણે તો કૄતિ માણવાને બદલે,  વિવેચકોની જેમ તેનાં સ્થૂળ, સ્વરુપમાં  દોષો જોવામાં જ સમય બગાડીએ છીએ.  

 

 


6 Comments to “એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’”

  1. વિહંગ વ્યાસ says:

    વાહ્…..બધાજ શેર સરસ. ત્રીજો અને ચોથો શેર વિશેષ ગમ્યાં. ગુલબંકીનાં લયમાં આવી સુંદર ગઝલ આપવા બદલ જિગરભાઇને અભિનંદન. આભાર પિંકીબેન.

  2. વાહ… જિગર…વાહ !!

    બધા જ શેર સરસ થયા છે… સામાન્યરીતે લાંબી બહેરની ગઝલમાં રદીફ લાંબી રાખીને કવિઓ અડધી પંક્તિ લખવામાંથી બચી જવાનું વલણ દાખવતા હોય છે એના બદલે અહીં સાવ એકાક્ષરી એઅદીફ રાખીને લાંબી બહેર નિભાવવાનો જે પડકાર સફળતાપૂર્વક ઊપાડ્યો એ સરાહનીય છે… મજાની ગઝલ અને થોડું ચિંતન માંગી લે એવી…

    ખૂબ ખૂબ અભિનંદન, દોસ્ત!!!

  3. ઘણા વખતે આ પ્રકારની કલાત્મક ગઝલ માણવા મળી. ગુલબંકી લય, પ્રમાણમાં અઘરા એવા નારાચ છંદની બેવડેલી બહેરનો ગઝલસદૃશ કમનીય વિનિયોગ. ધીર-ગંભીર અને ગૂઢ બાની. જિગરભાઈને અભિનંદન!

  4. sudhir patel says:

    ગુલબંકીમાં સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  5. pragnaju says:

    લાંબી બહેરની સુંદર ગઝલ
    ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
    બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે; ક્ષણિક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

    કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત; વિવેચકોની દ્રષ્ટિઓ ય લીન છે સ્વરૂપમાં,
    છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !
    વાહ્
    વિવેચકોની એક ટોળી કવ્યસર્જનને સામ સામે મુકી સ્પર્ધાત્મક રીતે ખંડન કરવાનો કે એમની દ્રષ્ટિએ સાચું એવું મંડન કરવાનો સમર્થ પુરુષાર્થ કરવો પડેછે

  6. Kirtikant Purohit says:

    સર્વાઁગ સુઁદર ગઝલ . લાઁબી બહેરમાઁ અને ટુઁકી બહેરમાઁ બન્ને વખત શબ્દ અને તેની પસઁદગી ખાસી કસરત માગી લે છે જેમાઁ જિગર પાર ઉતરે છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME