પુસ્તકો : અનુ – અરુણા જાડેજા
પુસ્તકો ખીચોખીચ ભર્યું આભ હોય
ત્યારે, આપણે જમીન થવું પડે છે
એમને ઊંડે મૂળે ઊતરવાં દેવાં પડે છે
આપણામાં.
ક્યારેક એ વૃક્ષ થઈ જાય ઘટાદાર
ત્યારે આપણે પથિક થઈને
વિસામો લેવાનો હોય છે એમના છાંયામાં
નિરાંતે.
ક્યારેક ક્યારેક તો એ પંખી થઇ જાય
ત્યારે પાંખોમાં બળ સમેટીને
ઊડવું પડે છે આપણે, એમની
હારોહાર.
પુસ્તકોમાંથી ક્યારેક ક્યારેક શિશિર પણ મળી આવે
પછી આપણે વેરાન વગડો થઈ જઈએ
ત્યારે એ જ વસંતનો પગરવ થઈ જાય
આપણા માટે.
પુસ્તકોને સ્પર્શ હોય, ગંધ હોય
પણ એ માટે મનને ફૂટવી જોઇએ
સંવેદનાની લાખો પાંખડીઓ
પછી તો પુસ્તકો ઉડાડી દે
વસંતનાં સઘળાં રંગો
પુસ્તકોને સમજાય છે બધું, બધું
આપણને સમજાય છે કે ?
પુસ્તકોનું આભ-શું મન ?
- નીલિમા પાલવણકર
અનુ્વાદક : અરુણા જાડેજા
પુસ્તકોની છાજલી …. એટલે રમેશ પારેખ માટે તો તીર્થધામ. તો કવિયત્રી નીલિમાબેનને પુસ્તકમાં આખુંયે આભ સમાયેલું લાગે છે. પણ પુસ્તકની ઊંચાઈને પામવા આપણે આપણી ઊંડાઈ માપવી પડે. પુસ્તકોને તો બધુંય સમજાતું હોય છે પણ આપણને ? આપણે વિવેચક બનીને ક્યારેય પુસ્તક માણી શકીશું ? પુસ્તક વાંચવું એ પણ એક કળા છે અને તે કળા વાચક કે ભાવક બનીને જ આત્મસાત્ કરી શકાય નહિં કે વિવેચક. આજે ‘વિશ્વ પુસ્તક દિને’ આ કળાને આત્મસાત્ કરવાનો એક પ્રયત્ન કરી જોઇએ ?!!
.

સુંદર છે
દરેક પુસ્તકમાં જીવન અંશતઃ પણ અનેક સ્થળેથી વ્યક્ત થાય છે,અનેક કૃતીમાંથી
અભિવ્યક્ત થાય છે.પુસ્તક અનેક સંવેદનને ઉઘાડી આપવાનો ઉત્સવ છે.
સુંદર અર્થસભર કાવ્ય..
અરુણા જાડેજા મજાના મરાઠી કાવ્ય આપણા માટે લઈ આવે છે. એમનું જ એક અનુવાદિત કાવ્ય, પુસ્તક વિશેનું જ અહીં માણી શકાશે:
http://layastaro.com/?p=4334
Pinki : very true…. ! ઉપરોક્ત મરાઠી કાવ્યનો જો અનુવાદ ના કર્યો હોત તો – પાંખો લગાવી પુસ્તકોની ‘હારોહાર’ કેવી રીતે ઊડી શકત ?
પુસ્તકોને સ્પર્શ હોય, ગંધ હોય
પણ એ માટે મનને ફૂટવી જોઇએ
સંવેદનાની લાખો પાંખડીઓ
પછી તો પુસ્તકો ઉડાડી દે
વસંતનાં સઘળાં રંગો
વાહ્
‘લાઈફ’ અને ‘ટાઈમ’ જેવા વિદેશી સામાયિકો દર વર્ષે ઉત્કૃષ્ટ પુસ્તકો પણ છાપે છે. આપણાં મોટાં દૈનિકો અને સામાયિકોએ પુસ્તક પ્રકાશનમાં પણ પ્રવેશ કરવો જોઈએ.નવું જાણવું અને શીખવાની ઉત્કંઠા રાખવી એ માણસ જાતની પાયાની વૃત્તિ છે અને જ્ઞાન પ્રાપ્તિનું મોટામાં મોટું માધ્યમ પુસ્તક છે. એ રીતે, પ્રકાશકો એ જ્ઞાનના સંવાહકો છે. પ્રકાશન એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી. એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે.