ગઝલ બનતી નથી : પંચમ શુક્લ
બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.
ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.
શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.
તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.
છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.
શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.
મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.
ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.
સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.
અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.
કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.
બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.
શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.
એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.
ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.
સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.
એમ કહીએ : જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિં : જગ-તાતથી ગઝલ બનતી નથી !
- પંચમ શુક્લ
કવિઓ માટે ગઝલ રચવી એ પણ એક આકસ્મિક ઘટના જ હોય છે. કાગળ અને કલમ સિવાય દિવ્ય ચેતનાનો સંચાર પણ જરુરી જ છે. પણ જ્યારે ગઝલ ન રચાય ત્યારે ? ગઝલ બનતી નથી… તે વિષે જરુર ગઝલ લખી શકાય. પંચમભાઈની કલમે સંસ્કૃત અને ઉર્દૂ શબ્દોથી સભર એક સુંદર મત્લા ગઝલ તેમનાં જન્મદિને માણીએ. શબ્દોનો મર્મ , નવા ગઝલકારોને પણ એટલો જ ઉપકારક છે.
શબ્દાર્થ : ત્રાત -રક્ષણ, બચાવ, અવદાત - શ્વેત, વ્રાત - સંઘ, સમૂહ, કસ્માત્ (સં.) - શાથી, કયા કારણે, વ્યાત્ત્ - ખુલ્લું, ઉઘાડું, સ્યાત્ - કોઈ અપેક્ષા, કોઈ માર્ગ.
.

આ ગઝલ લયસ્તરો પર મૂકી ત્યારે જે પ્રતિભાવ આપ્યો હતો એ જ દોહરાવવાની ઇચ્છા થાય છે:
પંચમભાઈની ગઝલની ખાસિયત છે કે એ હંમેશા અરુઢ (અને કવચિત્ ગૂઢ) હોય છે… પ્રવાહમાં વહીને એ કદી લખતા નથી. વપરાશમાં ન હોય એવા છંદ અને રોજબરોજની વાતચીતમાં ન વપરાતા શબ્દપ્રયોગ એ પંચમભાઈની આગવી ઓળખ છે…
‘ગઝલ બનતી નથી’ની વાત છે અને શેરની સંખ્યા તો જુઓ!!! મુકુલભાઈની ‘ગઝલ લખાતી નથી- http://layastaro.com/?p=824‘ પણ આ સંદર્ભમાં જોવા જેવી છે..
પંચમભાઈને જન્મદિવસની મબલખ શુભકામનાઓ…
સૌ પ્રથમ જન્મદિવસ મુબારક પંચમભાઈ,અને આવા અનેક કાવ્યાન્ંદ લઈને આવે તે શુભકામના.પહેલા તો બનતી નથી કહીને બની ગઈ, અને સમસ્ત ગઝલ વ્ચ્ચે
દોડતી સફેદ રેખા-રિક્તતા-શક્યતાને એક તાંતણે સંલગ્ન રાખે છે,નકારાત્મક અને હકારાત્મક ફોર્સને લહચ્ંબક સમ સમાનસ્તરે જાળવી રાખે છે,ભાષાકર્મમાં એ કશુક
ઘ્ટ્યાનો ઉલ્લેખ છે….બન્યાનોસ્તો..
‘ગઝલ બનતી નથી’ રદીફ સાથે સુંદર ગઝલ બની છે!
ફરી અહીં માણવી ગમી.
પંચમભાઈને જન્મ-દિવસની હાર્દિક શુભકામનઓ!
સુધીર પટેલ.
“જેના પ્રતાપે નાનું એવું છોકરું ગઝલ લખી ગયું,
અવું પંચમ નામનું પખીડું આજ મનને અડી ગયું”
Happy B’day….
Note : aa sher chand ma nathi.
પંચમભાઇને જન્મદિવસની મબલખ શુભેચ્છાઓ, અને એ નિમિત્તે રાજેન્દ્ર શુક્લનો એક શેર તેમને અર્પણ – “તતત તોતડાતા ભરે ડગ આ ભાષા અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે ગઝલ તો હજી આવવાની હવે છે હજી પૂરું વાતાવરણ ક્યાં રચ્યું છે”
Pinki : kya baat hai !
પંચમભાઇ, જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અને ગઝલ તો તમારી અફલાતૂન જ હોય છે.. કહેવા શબ્દો નથી..
લતા હિરાણી
જન્મદિવસ મુબારક
સરસ ગઝલ
ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.
આ નકારાત્મક પધ્ધતિ ઘણાએ વર્ણવી છે પણ
તેમની હકારાત્મક પંક્તીઓ માણીએ
તું પ્રથમ પરંપરામાં પળીને ગઝલ લખ,
મેઘદૂત વાંચીને વાદળીને ગઝલ લખ.
વાતચીત શી સરળ ગઝલ ગૂંથી શકાશે,
ઢળ જરાક તુંય છંદે ઢળીને ગઝલ લખ.
આધુનિક જણાય,પણ હોય ભીતર અસલ-
એવી અનૂઠી કો તરજ પર લળીને ગઝલ લખ.
કાફિયા, રદીફ ને ગઝલિયત ઠીક છે, પણ-
સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.
ખૂબ ચાવી ચાવીને પી જજે દર્દ કકરું,
‘આહ’માં જ ‘વાહ’ શું ઓગળીને ગઝલ લખ.
પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.
ફરી માણી ગઝલ અરૂઢ શબ્દોની અનોખી રમઝટ સાથે. મઝા આવી ગઇ.
પ્ંચમભાઈને જન્મદિન મુબારક.મત્લામાં કહેવાયેલી ઉપકારક નવી અભિવ્યક્તિવાળી ગઝલ.
અહોભાવ ઉપજાવે એવો ભાષા વૈભવ!!! ઉત્તમ રચના…