હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા

 

હે ધરા ગુર્જરી ! તું અમારા મનોરથ તણી મંજરી !
તે છતાં, કૂણી તુજ કાયથી, હાય, આ ધાર શોણિત તણી આજ શેં નિર્ઝરી ?

તું જ નરસિંહનાં ભજનની ભોમકા, તું જ જયસિંહ કેરું પરાક્રમ,
ત્‍હારામાં વસ્યું નગર નર્મદ તણું, પ્રેમને શૌર્યનો તું જ સંગમ,
તું જ શ્રી કૃષ્ણના શંખનો નાદ છે, તું જ છે મિષ્ટ મોહન તણી બંસરી !
હે ધરા ગુર્જરી !

તું જ ગાંધી તણી જન્મદાત્રી ભૂમિ, તું જ વલ્લભ તણી ધન્ય ધરતી,
સત્યને શાંતિનાં દિવ્ય સંદેશ સૌ તારી ગરવી ગિરા નિત્ ઉચરતી.
તે છતાં ચાંદની જેવી તુજ હસ્તી પર, શેં ઝઝુમી ઊઠી શ્યામ આ શર્વરી !
હે ધરા ગુર્જરી !

તે છતાં હાથમાં રક્ત લઈને અમે, આજ કરીએ છીએ અડગ નિશ્ચય,
તારી સેવા અને મુક્તિ માટે સદા, પ્રાણનો પણ કરીશું વિનિમય.
પ્રેરણા કેરી તું મૂર્તિ છે માવડી ! તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી !
હે ધરા ગુર્જરી !

- ભગવતીકુમાર શર્મા

 

ભારતની આઝાદી વિશે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કદાચ ગુજરાત રાજ્યની સ્થાપના વિશે નથી જાણતાં.  બૃહ્દ મુંબઈની બે ભાષાઓએ બે રાજ્યોને જ્ન્મ આપ્યો.  અને તેમાં પણ વિકસિત મુંબઈ માટેનો વિવાદ કેટલો થયો હશે તેની  પણ કલ્પના કરી જ શકાય. જોકે, ધનિક વેપારીઓ સિવાય સામાન્ય જનતાને મુંબઈ મહારાષ્ટ્રમાં જોડાય તેનો વાંધો ન હતો.  પણ પ્રજાનાં હ્રદયમાં અલગ ગુજરાતનાં મનોરથ રુપી મંજરી  ફૂટી ચૂકેલી હતી.  અને  તેની કૂણી કાયાને રક્તથી સીંચી એટલે કે,  પ્રાણનો વિનિમય કરીને પણ તેની મુક્તિ અને સેવાનો અડગ નિશ્ચય કરે છે.  

જે કવિ ” તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી ! “  એમ  ગાય છે.  ચાર વર્ષની મહાગુજરાતની ચળવળ બાદ,  ૧ મે, ૧૯૬૦નાં રોજ,  સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે મૂકસેવક રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જ્યારે ગુજરાતની સ્થાપના કરે છે ત્યારે તે સમાચારનું  રીપોર્ટીંગ કરવા ભગવતીદાદા સુરતથી અમદાવાદ આવે છે.   ધરાની મુક્તિનો, નિશ્ચયની પૂર્તિનો  એ આનંદોલ્લાસ આજે પણ તેમનાં મુખ પર જોઇ શકાય છે.   જોકે, તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે,  રીપોર્ટીંગ કરી પાછાં સુરત જતાં, તે જ દિવસથી શરુ થયેલી ગુજરાત એક્સપ્રેસમાં ટિકિટ બુક કરવા જતાં, કાઉન્ટર પરથી જવાબ મળે છે અરે… સાહેબ, બેસી જાઓને હજુ સુધી તો કોઇ બુકીંગ કરવા આવ્યું જ નથી. એટલે કે, ગુજરાત એક્સપ્રેસનાં પહેલાં પ્રવાસી તેઓ જ.  તો ગુજરાતની સ્થાપના થઈ તે જ દિવસે ફાધર વાલેસ ‘વગર ટિકિટે’ મુંબઈથી અમદાવાદ આવેલાં તે પણ સુંદર યોગાનુયોગ નથી !

 

.


4 Comments to “હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા”

  1. મજાનું ગીત અને વાર્તા પણ રોચક….

  2. pragnaju says:

    ખુબ સુંદર ગીત
    અને ઈતિહાસના તો અમે સાક્ષી…
    યાદ કરાવવા બદલ ધન્યવાદ

  3. jjugalkishor says:

    સરસ પ્રસંગો.

    પચાસમે વર્ષે આ વાગોળવું જરૂર ગમે.

  4. વિહંગ વ્યાસ says:

    વાહ……સુંદર ગીત અને એટલીજ રોમાંચક જાણકારી. ઝૂલણાંમાં રચાયેલું આવુંજ ત્રિભુવન વ્યાસનું કાવ્ય યાદ આવ્યું, “ભારતીભોમની વંદુ તનયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી”. આભાર પિંકીબેન.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME