આ ગુજરાત છે : ‘નાઝિર’ દેખૈયા
સ્વર્ગથીયે રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે,
કોક દિ’ મ્હેમાન થા ભગવાન ! આ ગુજરાત છે.
જ્યાં જશે ત્યાં આવકારો તુજને સાંપડશે જરુર,
માન કે ના માન ઓ મ્હેમાન, આ ગુજરાત છે.
સંત, સાધુ-ઓલિયાઓનાં અહીં છે બેસણાં,
સાચવીને ચાલ ઓ ઇન્સાન ! આ ગુજરાત છે.
શસ્ત્રવિણ તોડી ગુલામી કેરી જેણે શૃંખલા,
એવાં પાક્યાં છે અહીં સંતાન, આ ગુજરાત છે.
જ્યાં શિકારી પર કરે હુમલો ફરીને ખુદ શિકાર,
લો વિચારો કેટલું બળવાન આ ગુજરાત છે.
પુણ્ય પરખાયે પરિમલથી જ ‘નાઝિર’ એ રીતે,
ભવ્ય ભારતનું અનુસંધાન આ ગુજરાત છે.
- નાઝિર દેખૈયા
સ્વર્ગથી યે રમ્ય એવું આ ગુજરાત છે, જેમાં ભગવાનને પણ ભૂલા પડવાનું મન થાય…. અને ત્યારે ઈશ્વરને મીઠો આવકારો આપતાં છેલછબીલો ગુજરાતી ગાય છે … “ કાઠિયાવાડમાં કો’ક દિ’, ભૂલો પડ ભગવાન, તારાં મોંઘેરાં કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા”. ભગવાનને ય સ્વર્ગ ભૂલાવી દે તેવું આ રમ્ય ગુજરાત એ તો ભવ્ય ભારતનું અનુસંધાન છે. અને સાંપ્રત કાળમાં તો મક્તા ઉચિત ઠરવાની શકયતા ઘણી જ વધી ગઇ છે. એટલેકે, ” Vibrant Gujarat to Vibrant India “
.

ખુબજ સુદર…નઝિર તો ભઈ અમારા ગામનો કવિ..
નાઝિરજીનાં આંગળાંની છાપ સ્પષ્ટ દેખાય છે !
કાઠિયાવાડમાં કોક દિ. કે પછી તારાં આગણિયાં પૂછીને જો કોઈ…બન્ને જાણીતી ચીજોને સાવ નવી રીતે મૂકી આપી છે. અનુસંધાનવાળી વાત પણ એમની સર્જકતા દર્શાવે છે. ધન્યવાદ પીંકીબહેન !
સુંદર રચના…
પ્રાસંગિક કાવ્ય રચવું એ કદાચ એક પડકાર સમું છે… આયાસપૂર્વક લખાયેલી કૃતિ અનાયાસ ભાસે એવું સર્જન કરવું દોહ્યલું છે પણ કવિએ સારી રીતે આ પડકાર ઝીલી બતાવ્યો છે…
મનભાવન સુન્દર રચના.અભિનન્દન
નીલેશ રાણા
સરસ ગઝલ્..ફિરદોસભાઈની ઘણી કવિતાઓ વાંચી આજે એમના પિતાશ્રીની વાંચવા મળિ આભાર જ્ય ગુજરાત!
સપના
ખૂબ સુંદર ગઝલ! બધાં જ શે’ર કાબિલે-દાદ છે!
ગુજરાતની આગવી ખાસિયત બખૂબી રજૂ થઈ છે.
સુધીર પટેલ.
સુંદર ગઝલ.