સપ્તરંગી ગુજરાત : ભાગ્યેશ જ્હા

( સપ્તરંગી ગુજરાત … સ્વર્ણિમ ગુજરાત )
( ઑડીયો ફાઇલ )
સ્વર : પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા, સ્વરાંકન : મેહુલ સુરતી
સપ્તરંગી ગુજરાત, અમારું સપ્તરંગી ગુજરાત.
ઝળહળતું ગુજરાત, અમારું સ્વર્ણિમ છે ગુજરાત.
સાહસના સંતાન અમે દુનિયાભરમાં વસનારા,
જ્યાં જઇએ ત્યાં ગુજરાતીતા પ્રગટ કરી લેનારા;
સાહસ-શૌર્ય-સંઘર્ષ અમારા નોખી એની ભાત.
અમારું સપ્તરંગી ગુજરાત.
જે મળતું તે ભળતું અહીંયા, જ્યાં જઈએ ત્યાં ભળીએ,
ગાંધી ને સરદાર બાગના ગુલાબ થઈને ખીલીએ;
સેવા-સમરસ-સમાજભાવના, સહજ બને રળિયાત.
અમારું સપ્તરંગી ગુજરાત.
દરિયો દેશાવર દિલદારી, એ જ અમારી વાણી,
વિશ્વ અમારું પરિવાર જ્યાં ગુજરાતી છે પાણી;
માતૃભાષાને વ્હાલ કરંતા, મહેનત જ્યાં મ્હોલાત.
અમારું સપ્તરંગી ગુજરાત.
સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે, જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય, બોલે હર ગુજરાતી;
ઉરમાં ધબકે સૂરમાં છલકે વિકસે દિવસ રાત,
અમારું સપ્તરંગી ગુજરાત.
હે ગુજરાતી માણસ છે, ગુજરાતી ભાષા છે, ગુજરાતી અવસર છે, સ્વર્ણિમ આજે,
ધમ ધમ ધમ ધમ ધમાટ, ગરવા ગુજરાત નો ડંકો વાગે,
આપણા કામમાં, આપણા જ ગામમાં, આગળ વધવાનો રૂડો ઢોલ વાગે;
આવો સૌ સાથે રહી કરીએ સંકલ્પ આજ, રંગ બધા દુનિયાનાં શોભે.
- ભાગ્યેશ જ્હા
” સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની” ગુજરાતની સુવર્ણ જયંતિનાં આ ગુજરાતી અવસરે રમેશ ગુપ્તાનાં શબ્દો કેટલાં સાચાં પડી રહ્યાં છે ?!! ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ‘સ્વર્ણિમ ગુજરાત’ની કલ્પનાને સાકાર કરવા, ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે જરુરી કેટલીક યોજનાઓ નક્કી કરવામાં આવી. તો ગુજરાતનાં સ્થાપના દિને, એક સુંદર સપ્તરંગી ગુજરાત કાર્યક્રમનું ( વિડીયો by tv9 )પણ આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન ગુજરાતનાં ગવર્નર ડૉ. શ્રીમતી કમલાએ કર્યું. ( વિડીયો ) એ.આર.રહેમાનનાં સ્વરાંકનમાં ગરવી ગુજરાત ( વિડીયો ) માણવા માટે વિડીયો પર ક્લિક કરવું.
ગુજરાતનાં આ અનેરા ગુજરાતી અવસરને, ગુજરાતી માણસોએ કેવો ધમ ધમાટ ઉજવ્યો તેનાં સ્મૃતિચિહ્ન રુપ આ ગીત… અને અન્ય વિડીયો જરુર માણવું ગમશે. ” અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.” – હરદ્વાર ગોસ્વામીનાં આ શેર સાથે ગુજરાત વિષયક કાવ્યોને અટકાવવાં નથી પણ તેને ( અને ગુજરાતને ) વિસ્તારવાની મહેચ્છા સાથે આવતી કાલથી કશુંક અન્ય અવનવું માણીશું.
.

ભાગ્યેશ જ્હા..સુંદર , મન-ભાવક ગીત.
સુંદર રચના…
ભાગ્યેશ સર, બહુ જ મજાની રચના. ગુજરાતી હોવાનુ ગૌરવ અનુભવાય તેવુ ગીત. તમારા કાવ્યો ધોધમાર વરસ્યા કરે તો કેવુ સારુ?
I can not listen this song…….. Why? Something wrong?