જીવી જવાશે : ભરત ભટ્ટ ‘પવન’
મા હશે તો સો વરસ જીવી જવાશે,
અન્યથા વચ્ચે કશે અટકી જવાશે.
ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજે,
સાર ગીતાનો તરત સમજી જવાશે
ત્યાં જ કાશી, ત્યાં જ કાબા, ત્યાં જ વૈકુંઠ,
એક ખોળામાં બધું પામી જવાશે.
ગોદડીમાં સાડલા જો હોય એના,
સોડ લેતાં સ્હેજમાં ઊંઘી જવાશે.
ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
- ભરત ભટ્ટ ‘પવન’
વેદ, ઉપનિષદ અને ગીતાનો સાર – એટલે જ મા… પણ, મા નામનો વેદ - ’મા’ ન હોય ત્યારે જ સમજાય. બાકી સાઇઠ વર્ષે પણ, વાગે ત્યારે કે બિમાર પડીએ તો મા જ યાદ આવે. અને ત્યારે એની સાડીઓથી બનેલી ગોદડી બાથમાં ભરવાનું રહે છે. જોકે, ગૌરાંગભાઇ કહે છે એમ, ” સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ”. આપ સૌને માતૃદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.
the attachments to this post:




“માં” વિશે ઘણું લખાયું/લખાશે પણ આ ગઝલમાં જે નાવિન્ય જોવા મળે છે તે ખરેખર કાબિલેદાદ છે. “મોઢે બોલું જ્યાં માં, ત્યાં મને સાચ્ચેજ બાળપણ સાંભરે. પછી મોટપની આ બધી મજા, મને કડવી લાગે કાગડા”(દુલા ભાયા કાગ).
પોતાને આધુનિકમાં ખપાવતી પેઢી મમ્મી અને મોમ કરતાં, બા અને મા બોલતાં મોઢું ભરાઈ જાય એવો ભાવ જાગે – એ અનુભૂતિ ક્યાંથી કરી જાણે….!!!
ભરતભાઈએ પ્રસ્તુત ગઝલમાં મા વિષે જે ભાવુક અભિવ્યક્તિ વહેતી મુકી છે એ અનન્ય છે.
માતૃત્વદિન નિમિત્તે મારી જ શું કામ, મલક આખાની તમામ મા ને કોટિ-કોટિ પ્રણામ.
સૌને માતૃદિનની શુભેચ્છા સાથે સુંદર ગઝલ માણવી ગમી.
સુધીર પટેલ.
‘કવિતા’માં લગભગ આ રચના પ્રકાશિત થૈ ત્યારે ભાઈ ‘પવન’ને શુભેચ્છાઓ આપેલી… સરસ રચના થ્ઈ છે
Pinki : true, it was published in ‘kavita’.
પવનને મુનવ્વરકી યાદ દિલા દી…