શું ચીજ છે ? : રમેશ પારેખ

 

bankado

 એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું  શું ચીજ છે ?

ચીજવસ્તુ થઇ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?

કઇ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે ?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં,
‘રમેશ’ ગોળ રસ્તા, ગોળ જીવે, હાંફવું શું ચીજ છે ?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા ‘રમેશ’,
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે?

- રમેશ પારેખ

 

આપણે સૌએ વૃદ્ધત્વને હાંફી જતું તો ઘણી વાર જોયું જ છે, પણ, તે શું ચીજ છે ? -  કદાચ ખબર નથી.   બગીચામાં ખાલી બાંકડાનાં સંગે, એક સાંજ પસાર કરવી ગમે … પણ જ્યારે તે ફરજિયાત થઇ જાય એટલે કે,  હવે તે સિવાય કોઇ કામ જ નથી રહ્યું.  ત્યારે એ જ બાંકડાનાં પાટિયાં પર ગુજારેલી પ્રિયજન સાથેની સાંજ – ચીજવસ્તુ જેવી થઇ ગયેલી આંખમાં પણ  કણા ની જેમ ખૂંચે છે.   અત્યારે તો,  છાપાંમાં હૅડલાઇન વાંચી ઓફિસ જતાં, વિચાર આવે છે કે,  છાપુંય વાંચવાનો સમય નથી અને પછી સમય પસાર કરવા, આખે આખું છાપું વાંચ્યા પછી પણ હવે શું ?  એ પ્રશ્ન ઊભો જ હોય.  

ઘરમાં રહેલ વૃદ્ધજનોને એકલતા ન સાલે તેનું ધ્યાન રાખીએ તો શક્ય છે ભવિષ્યમાં આપણને પણ આ એકલતા ના સાલે ?!! 

 

.


the attachments to this post:

bankado
bankado


10 Comments to “શું ચીજ છે ? : રમેશ પારેખ”

  1. vajesinh says:

    એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
    બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું શું ચીજ છે ?
    - વાહ। હૃદયસોંસરો ઊતરી જાય એવો મત્લો.વૃદ્ધાવસ્થા ને એકલતાને કેવી ધારદાર ને પ્રતીકાત્મક રીતે અભિવ્યક્ત કરી છે. સલામ રમેશ પારેખને।

  2. ખુબ સરસ ગઝલ.મરમ ભેદી રચના.પ્રેરણા મળે ઍવી કવીતા…..

  3. સુંદર રચના…

    આ ગઝલ સાથે ધવલે કહેલી વાત યાદ આવી:
    “જ્યારે જ્યારે આ ગઝલ વાંચું છું ત્યારે એક ખાલીપો ધેરી વળે છે. ગોળ ચશ્માં… શેરમાં રમેશ પારેખે ઘડપણની એકલતા અને ખાલીપાને આબાદ ઝીલ્યા છે. જીવનમાંથી ધ્યેય ખૂટી જાય અને સમય કોકડું વળી જાય એ અવસ્થા કેમ કરી જીરવવી ? ઘડપણની જેમ જ, આ ગઝલમાં ખાલી પ્રશ્નો જ છે કોઈ ઉત્તર નથી. ઉત્તરો શોધવાની સતત મથામણને કારણે જ કદાચ ઘડપણને ઉત્તરાવસ્થા કહેતા હશે ?”

  4. Prabuddh Pancholi says:

    કઇ તરસ છે એ .. રોજ આખેઆખું છાપું પી જવું !
    રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા !

    આપણે પણ એ જ દ્રશ્ય જોઈએ પણ ર.પા.ની આંખો ક્યાંથી લાવવી?

  5. pragnaju says:

    એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ? બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું શું ચીજ છે ? ચીજવસ્તુ થઇ ગયેલી આંખને પૂછી જુઓ, સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ? કઇ તરસ છે એ કે એને આમ પાલવવું પડે? રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે ? રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા, રોજ એનું એ જ…
    કડવું સત્ય
    અમુક સમય પછી માણસ જીવનમાં ખાલીપો અનુભવે છે. જે બાળકોની જવાબદારી પૂરી કરવા માટે મા-બાપ પોતાની સંપૂર્ણ જિંદગી સમર્પિત કરી દે છે અને ઘડપણમાં તેઓ જયારે બાળકોની જવાબદારી બની જાય છે ત્યારે એક પ્રકારનો ભય, સંકોચની ભાવના એમના મનમાં જન્મે છે કે કયાંક અમે સંતાનો પર બોજ તો નથી બની રહ્યાં? જરૂરિયાતો મર્યાદિત થઇ જાય છે જરૂર હોય છે, માત્ર આત્મીયતા અને થોડી ક્ષણોના સાથની. જેમ કોઇ બાળક આખો દિવસ રમ્યા પછી રાત્રે સૂતી વખતે માનો ખોળો શોધે છે, એ જ રીતે ઘડપણમાં સંતાનોનો સાથ મળવાથી માતાપિતાને પણ એવી જ શાંતિ થાય છે

  6. sudhir patel says:

    ફરી ફરી માણવી ગમે એવી આધુનિક છતાં સંવેદનશીલ ગઝલ!
    સુધીર પટેલ.

  7. ગોળ ચશ્મા, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં…
    આ ગોળ એવી વસ્તુ છે જેને આરંભ કે અંત નથી તેથી એની એકવિધતામાં હયાત રહેવું એબ્સર્ડિટી છે-વ્યર્થતા છે કે અનર્થતા છે.આ ઘડપણ પણ ગોળાકાર જેવું છે,
    તેથી એ મથામણ છે.

  8. Jayshree Merchant says:

    રમેશની આ ગઝલ, બાંકડા પર થંભી ગયેલા સમયનું પોટલું લઈને બેઠેલી આવનાર વખતની સહુની હયાતીનો આયનો છે અથવા અફર સત્ય છે એકાંતની ઉદાસ ઉજવણીનું!
    “ભગ્ન” સિલકમાં છે આ વર્ષો જૂના ફાટેલાં પત્રો!
    નિરાંતે હવે વાંચ્યાં કરો, બેસીને આ ઑસરીએ!
    હ્રદય સોંસરવી વાત કહી જવાની આ અનોખી તાકાત રમેશની કલમની સદાબહાર તાઝગીનું નજરાણું છે.

  9. અદભુત રચના છે !
    ખાલીપાને નવી ઊંચાઈ બક્ષી છે ર.પા. એ …
    મારો એક શેર યાદ આવ્યો આ તકે

    સમી સાંજે ઝૂકી આંખે બગીચે બાંકડે બેસી અને એકાંત પી જાવું…તને મોડેથી સમજાશે
    સમયસર ચાલવા જાવું ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું…તને મોડેથી સમજાશે

  10. ખુબ સુંદર.

    “કઇ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
    રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે ?”

    તરસ શાની??? એવો એક પ્રશ્રન થાય છે. શક્ય છે એ તરસ એટલે પ્રિયજનની કે પછી પરમાત્મા પાસે પહોંચવાની તરસ.

    “રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે ?” આ પંક્તિ વાંચી મને મારા બા યાદ આવી ગયા. સ્ત્રી હતા એટલે ખાલી સમય પ્રમાણમાં ઓછો મળે પણ જ્યારે ખાલી સમય મળે ત્યારે આખું છાપું વાંચતા અને સમાચાર અમને જણાવતા.

    Pinki : ગઝલનાં સંદર્ભમાં – આ તરસ છે, જાતને કોરી ખાતી એકલતાને મિટાવવાની.
    મારી નાની પણ આખેઆખું છાપું વાંચતાં અને ખરાબ સમાચાર હોય તો, પ્રાર્થના પણ કરે કે, જે તે મુશ્કેલી દૂર થાય. ભલેને, કોઇ પણ દેશ કે વ્યક્તિ હોય. :)

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME