એક પળ નીકળે : મનોજ ખંડેરિયા
ન ધારેલ હો એવું જળ નીકળે,
ભરો ખોબો એમાં વમળ નીકળે.
હટાવો જૂના કાટમાળો બધાં !
નીચે જીવતી એક પળ નીકળે.
ગડીબંધ પ્હેરણ ત્વરિત પહેરી લે !
વખત જાતાં એમાંય સળ નીકળે.
વહી ચૂક્યા પાણીનું પરબીડિયું -
હું ખોલું તો નમણું કમળ નીકળે.
ધરા શબ્દની, માંગ્યું આપી રહે,
તમે તીર મારો ને જળ નીકળે.
- મનોજ ખંડેરિયા
જિંદગીમાં ન ધારેલું તો ઘણું બધું થતું હોય છે. જોકે, જૂનો કાટમાળ હટાવતાં એક જીવતી પળ પણ મળી શકે. એટલેકે, પસ્તી વચ્ચે મળી આવેલી કોઈ ‘યાદ’ જ નહીં – આપણાં પૂર્વગ્રહોનો કાટમાળ જરાક આઘો કરીએ તો – જીવતી પળ પણ મળી જ આવે. જળનાં વમળની જેમ જ ઊંડે લઇ જતી ગઝલ વળી આપણને કિનારે લાવીને મૂકી દે છે અને કહે છે, શબદની ધરા – તો માંગ્યું આપી દે બસ તીર મારો અને જળ નીકળે. એટલે કે, The Secret – Movie માં દર્શાવ્યું છે એવું પણ શક્ય છે જ .
.
the attachments to this post:


ધાર્યું થાય તે સામાન્ય.
અણધાર્યું તે અસામાન્ય.
સરસ ગઝલ.
ધરા શબ્દની, માંગ્યું આપી રહે,
તમે તીર મારો ને જળ નીકળે.
કવિ શ્રી મનોજ ખંડેરિયાની સશક્ત કલમના કસબનો વધુ એકવાર સાક્ષાત્કાર કરાવ્યો પિન્કીબેન..
ગઝલ વિષે તો શું ટિપ્પણી કરીએ..!
આ બધા દિગ્ગજોની ગઝલઓએ ઘણું શીખવ્યું છે અને હજૂય શીખી રહ્યાં છીએ..એટલું સ્વીકારવાની ખેલદિલી કેળવી શકાઈ છે ઈશ્વરની દયાથી.
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
હટાવો જૂના કાટમાળો બધાં !
નીચે જીવતી એક પળ નીકળે.
જવાબ નથી!!
સપના
અદભુત ગઝલ… બધા જ શેર મનનીય છે અને કલ્પનની તાજગી તો અભૂતપૂર્વ!!!