અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા

 

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’ થી ‘સદી’ની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવંત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર, ખીણ, ધુમ્મસ, સૂરજ  કે કશું નૈં ?
‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું,
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.

 - ભગવતીકુમાર શર્મા

 

ભગવતીદાદાનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી અને માનીતી ગઝલ.  જેમ આંધીમાં તણખલું વંટોળે ચઢે એમ આપણે પણ દુન્યવી  વંટોળે ચઢીએ તો છીએ પણ પછી તણખલાંની જેમ પવનની સંગ લહેરાતા નથી આવડતું  અને આવી કંઇક વારસાગત સમસ્યાઓ લઈને જન્મ લેનારાં આપણે આપણને પણ મળી શકતાં નથી.  સડક પર ઝિબ્રા ક્રોસિંગ આવે ને જાય …  એમ સદીઓ વીતી જાય છતાંય માણસ જાતની ‘કદી’ એ પળ આવતી જ નથી કે  ‘ ટુ બી ઓર નૉટ ટુ બી’ માં અટવાયા વિના ખુદને મળી શકે.  ( ઑડિયો : નયનેશ જાની )

 

 

.


9 Comments to “અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા”

  1. Deepak Trivedi says:

    હું મારી કવિતા વેબ-મહેફિલમાં મોકલવા માંગતો હોઉં તો શું કરવું ? કઈ રીતે મોકલી શકાય ? —–દીપક ત્રિવેદી “દીપ”
    મારું ઈ -મીલ adress dgt5160@ gmail.com

    Pinki : You can send us your poems on our e-mail id webmehfil@yahoo.com.

  2. મને ગમતી…મુ.ભગવતીકાકાની સુંદર ગઝલ.

  3. sudhir patel says:

    સુંદર જાણીતી ગઝલ!
    કવિશ્રીને જન્મ-દિવસની અઢળક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  4. Jayshree Merchant says:

    કવિવર ભગવતિકુમારની આ ગઝલ ઘણે વખતે પાછી વાંચી અને અંતરને પાછી આ ગઝલ ઝંઝોડી ગઈ.વેબમેહેફીલનો આભાર.

  5. કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..

  6. વિહંગ વ્યાસ says:

    કવિશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ.

  7. Ajitsinh Jagirdar says:

    વેબ મહેફિલ નો પહેલો ફેરો સફલ થયો.

  8. Maheshchandra Naik says:

    કવિશ્રીને જન્મ દિવસના અભિન્દન, સુરતના વતની તરીકે આ ગીત કવિશ્રીના સ્વમુખે સાંભળવાની તક મળી છે, આજે ફરીથી એનો આનંદ કરાવવા બદલ આપનો આભાર્……..

  9. Harnish Jani says:

    આ જીવન ફક્ત નીચેની બે પંક્તિઓ રટ્યા કરી છે…અમેરિકામાં…
    મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
    હતા આપણે મૂળ તડકાના માણસ.

    કવિશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME