જીદમાં : મિલિન્દ ગઢવી

 

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યા, જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઇ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યા અભેરાઇ ઉપર,
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યા હાથમાં,
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું,
આંગણું અજવાળવાની જીદમાં.

- મિલિન્દ ગઢવી

 

સરળતા અને સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર ન કરી શકતાં આપણે સૌએ અંતે તો જીદમાં -  કશુંક ગુમાવવાનો જ વારો આવે છે.   તો સૌને રાજી રાખવામાં ‘જાત’ ને પણ ગુમાવવી પડે છે.

 

.


14 Comments to “જીદમાં : મિલિન્દ ગઢવી”

  1. kedar says:

    જાતથી નારાજ કેવા થઇ ગયા !
    સૌને રાજી રાખવાની જીદમાં…

    ઘણી વખત અન્તે એવુ લાગે કે ‘આપણા પોતાના માટે તો એક ક્ષણ પણ નથી જીવ્યા’…વાહ…ખૂબ સરસ…

  2. વિહંગ વ્યાસ says:

    જાતથી નારાજ કેવા થઇ ગયા ! સહુને રાજી રાખવાની જીદમાં. વાહ…..!

  3. pragnaju says:

    છેવટે ઘરને ય સળગાવી દીધું,
    આંગણું અજવાળવાની જીદમાં.
    દરેકે જીવનમા અનુભવેલી વાત!
    સુ.દાની આવી જીદ
    ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
    હવે હાથમાં તું મેંદી મૂકાવ,
    કો’કના લગનમાં જઈએ તો લાગે
    કે આપણો પણ કેવો લગાવ.
    મઝાની!

  4. sudhir patel says:

    ‘ગ.મિ.’ની સુંદર ગઝલ ગમી!
    સુધીર પટેલ.

  5. રાજની says:

    સરસ ગઝલ.. દરેકે શેર ખૂબ જ ગમ્યા…

  6. શેની જીદમાં શું ખોયું એનું પ્રમાણિક અને સચોટ અભિવ્યક્તિ દ્વારા વ્યક્ત થયેલ સરસ વર્ણન ગમ્યું મિલિન્દ…
    -અભિનંદન.

  7. આખેઆખી ગઝલ જ સરસ થઈ છે પણ કવિમાં કેવી પ્રતિભા ભરી પડી છે એ આ બે શેર પરથી પરખાઈ આવે છે:

    વાસણો દોર્યા અભેરાઇ ઉપર,
    ખાલીપો સંતાડવાની જીદમાં.

    લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યા હાથમાં,
    હસ્તરેખા લાંઘવાની જીદમાં.

  8. Maheshchandra Naik says:

    જીદ કરવાથી ઘણુ ગુમાવતા હોય છે, એનો એહસાસ કરાવતી ખુબસુરત રચના, અભિનદન અને આભાર……………….

  9. અભરાઈ પરથી ગબડી પડેલી ગઝલ હ્જું પણ હાથમાં હળૂ હળૂ સળવળે જીદમાં.

  10. રાકેશ ઠક્કર, વાપી says:

    વાહ !વાહ !

  11. સરસ ગઝલ.

  12. આ કવિ મુરસ્સા ગઝલ કહેવા જ જાણે સરજયો હોય એમ લાગે છે.
    ખુબ સરસ રચના થઈ છે. અભિનંદન દોસ્ત !
    ગ.મિ. ની રચના ખરેખર ગ.મિ.

  13. Hemal Vaishnav says:

    superb..superb..Gadhvi Saheb..

  14. Dr. Dinesh O. Shah says:

    અભિનંદન કવિને,છેલ્લી લાઈન ખુબ ગમી.

    ” ઘરને ય સળગાવી દિધું
    આંગણું અજવાળવાની જીદમાં”

    આવી સુંદર રચનાઓ લખતા રહો તેવી શુભેછાઓ.

    દિનેશ ઓ.શાહ,સેક્રેમેન્ટો, કેલીફોર્નિઆ,યુ.એસ.એ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME