બા-અદબ : ડૉ. મહેશ રાવલ
એક ઈચ્છા સળવળે છે, બા-અદબ,
ટેરવે દીવા બળે છે, બા-અદબ.
લોઢ ઊછળે લાગણીનાં ભીતરે,
જેમ દરિયો ખળભળે છે, બા-અદબ.
ભૂખ ઊઘડી સાત ભવની, આ ભવે
મર્મ સઘળાં ઓગળે છે, બા-અદબ.
સ્હેજ પણ અંતર હવે નહીં પાલવે,
સર્વ અંતર પીગળે છે, બા-અદબ.
શક્ય છે ઈતિહાસ આલેખે નવો,
સરફરોશી ઝળહળે છે, બા-અદબ.
થઈ જશે સાતેય કોઠા તરબતર,
જળ, કમળથી નીકળે છે બા-અદબ.
હોય શ્રધ્ધા તો પછી શું જોઇએ ?
એ જ સહુને સાંકળે છે, બા-અદબ.
- ડૉ. મહેશ રાવલ
એક મુશ્કેલ રદીફને પૂર્ણ ન્યાય આપી, બા-અદબ દાદ મેળવી જતી ગઝલ મહેશ અંકલની કલમે. બા-અદબ સળવળતી એક ઈચ્છાને (કલમને) , ટેરવે દીવા પ્રગટાવીને, પ્રજ્વલિત કરવામાં આવી છે. અને ત્યારે, લાગણીનો ખળભળતો દરિયો સાત ભવનાં અંતર કેમ ના ઓગાળે ? બસ જો, હોય શ્રદ્ધા તો પછી શું જોઇએ ? એ જ સહુને સાંકળે છે, બા-અદબ…. !!
.

કંઈક નોંખા રદીફો પર કામ કરતાં આદરણીય મહેશભાઈની સરસ ગઝલ. બા અદબ સળવળતી ઈચ્છાઓને પ્રતીક–કલ્પનો દ્વારા બખૂબી ઉપસાવી છે.
ડૉ.મહેશભાઈ, ઘણીજ સુંદર ગઝ્લ..માર અભિનંદન..સાઈટ પર મુકવા બદલ આભાર.
શ્રદ્ધા જ સૌને માટે મોટી વાત હોય છે………સરસ શબ્દોમા ગઝલ….
રમલ છંદમાં એટલું બધું લખાઈ ગયું છે કે હવે જ્યાં સુધી સાવ નવી વાત / નવિનતાસભર રજુઆત ન હોય તો સારી ગઝલ પણ સામાન્ય કક્ષાની લાગે છે.
મજા આવી ગઇ મહેશભાઇ…!!! સરસ રદીફ સારી રીતે જળવાયો છે..
બા-અદબ જવા નવા રદીફ સાથેની સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સુંદર ગઝલ.
સુંદર રચના… બધા શેર મજાના થયા છે… સાવ અરુઢ કહી શકાય એવી રદીફ ખૂબ જ સરસ રીતે સચવાઈ છે એ સર્જકની સિદ્ધિ…
ભાઈ જિગર્ તારા અભિપ્રાયનો મતલબ શૂ સમજવો ? ‘ બકવાસ કે પછી બીજો કઈ અથ્,anyhow,મધુકાન્તને યાદ્ રોજ રાત્રે પીયુસ પડયા”જયોતિ” સાથે વાત થાય છે ત્યારે તને હુ અચુક યાદ કરુ છુ…..તારા ગીત્,ગઝલ્ કાવ્યને દીલ થી આવ કારુ છુ…ગમે છે હુ તને નાના લાલ કહીને અને મધુકાન્તને દલપત રામ કહીને સબોધુ છૂ. ભાનુ ભાઈ પડયાને આ મારી comment બહુ જ ખુશ કરી નાખે છે…
કવિની હથોટીના છંદમાં મનનીય ગઝલ. ક્રિયા સૂચક કાફિયાઓ સાથે બા-અદબ જેવો રદીફ ૭ શેર સુધી આટલી સહજતાથી અનુભવી ગઝલકાર જ નિભાવી શકે.